શંકરસિંહથી શરદ પવાર સુધીના આટાપાટા: મહારાષ્ટ્રમાં 1996ની જેમ ગુજરાતવાળી થશે?, અજિત પવારની NCPને માન્યતા મળશે તો શું થાય?

(સૈયદ શકીલ દ્વારા):- મહારાષ્ટ્રનું કોકડું સુપ્રીમ કોર્ટમાં પહોચ્યું છે. સુપ્રીમ કોર્ટ સંભવત આવતીકાલે ચૂકાદો આપે તેવી શક્યતા છે ત્યારે મહારાષ્ટ્રમાં પણ શંકરસિંહ વાઘેલાના બળવા વખતે ગુજરાત વિધાનસભામાં સર્જાયેલી રાજકીય ઘટનાઓ જેવી ઘટનાઓનું રિ-રન થવાની શક્યતા જોવા મળી રહી છે. પ્રોટેમ સ્પીકર દ્વારા અજિત પવારની એનસીપીને અલગથી માન્યતા આપી દેવામાં આવે તો શરદ પવારના રાજકીય કરિયર પર મસમોટો પ્રશ્ન મૂકાઈ જવાની સંભાવના રાજકીય પંડીતો જોઈ રહ્યા છે.

1995માં ભાજપ 121 બેઠક જીતીને સત્તામાં આવ્યું. ત્યારે શંકરસિંહ વાઘેલા સીએમની દાવેદારીમાં સૌથી આગળ હોવાનું કહેવાતું હતું, પણ રાષ્ટ્રીય નેતૃત્વએ કેશુભાઈ પટેલની સીએમ તરીકેની પસંદગી કરી હતી. આ કારણે બાપુના સમર્થકો ખુબજ નારાજ થયા અને વાઘેલા 20મી ઓગસ્ટ 1996ના રોજ સમર્થકો સાથે ભાજપમાંથી બળવો કર્યો અને ધારાસભ્યોને લઈ ખજુરાહો ગયા હતા. ગુજરાત ભાજપમાં હજુરીયા-ખજુરીયા તરીકે કાર્યકરો બે ભાગમાં વહેંચાઈ ગયા હતા પણ ભાજપે શંકરસિંહના બળવાની ઝીંક ઝીલી શકી ન હતી અને શંકરસિંહે કોંગ્રેસના ટેકાથી સરકાર બનાવી હતી ત્યાર બાદ રાષ્ટ્રીય જનતા પાર્ટી(રાજપા)ની રચના કરી પોતાની સરકાર બનાવી અને ગુજરાતના 12મા મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી.પરંતુ ત્યાર બાદ આવેલી ચૂંટણીઓમાં બાપુનો એક પણ ધારાસભ્ય ચૂંટાઈ આવ્યો ન હતો અને રાજપાનું કોંગ્રેસમા વિલીનીકરણ કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસમાં આવ્યા બાદ શંકરસિંહ વાઘેલા કપડવંજથી લોકસભાની ચૂંટણી જીત્યા અને મે 2004માં તેમને કેન્દ્રિય કપડા મંત્રીનો પદભાર સોંપાયો હતો. તેઓએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી ગુજરાતની 13મી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે વરાયા હતા. કોંગ્રેસે સાથે શંકરસિંહ વાઘેલાનો નાતો 2017ની રાજ્યસભાની ચૂંટણી સુધી રહ્યો હતો. 2017માં બાપુના ટેકેદાક ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી ધડાધડ રાજીનામા ધરી દીધા હતા. કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલને મહાત આપવાના પ્રયાસો થયા પણ તેમાં ફાવટ આવી નહીં. બાપુએ ત્યાર બાદ એનસીપી સાથે જોડાણ કર્યું અને હાલ એનસીપીના ગુજરાત પ્રદેશ પ્રમુખ છે.

શંકરસિંહ વાઘેલાએ જ્યારે બળવો કર્યો ત્યારે ગુજરાત વિધાનસભાન સ્પીકરની ભૂમિકા મહત્વની હતી. ગુજરાત વિધાનસભાની સ્પીકર તરીકે ચંદુભાઈ ડાભી હતા. ચંદુભાઈ ડાભી ભરૂચની મીયાંગા-કરજણના ધારાસભ્ય હતા. વિધાનસભાની ફ્લોર પર જ્યારે શંકરસિંહ વાઘેલાના જૂથને અલગથી માન્યતા આપવાનો પ્રસ્તાવ આવ્યો તે સ્પીકર તરીકે ચંદુભાઈ ડાભીએ શંકરસિંહને વિધાનસભામાં અલગથી સીટવી ફાળવણી કરી આપવાની જાહેરાત કરી હતી અને શંકરસિંહની તરફેણમાં નિર્ણય આપ્યો હતો. ભાજપના પ્રયાસોને મોટો ફટકો મારવામાં આવ્યો હતો.

હવે મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ સ્પીકરની ભૂમિકા મહત્વની રહેવાની છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે પણ વિધાનસભામાં સ્પીકર પોતાની મુનસફી પ્રમાણે નિર્ણય કરતા હોય છે. જો વિધાનસભાના સ્પીકર અજિત પવારે આપેલા 54 ધારાસભ્યો સાથેના પત્રને માન્યતા આપે અને અજિત પવારની એનસીપી સાચી છે તે સ્વીકારે તો એમ સમજો કે શરદ પવારની એનસીપીનું ઉઠમણું થઈ ગયું અને સીધી રીતે વિધાનસભામાં અજિત પવાર બાજી મારી શકે છે.

વિધાનસભમાં પ્રોટેમ સ્પીકરનું કામ ધારાસભ્યોના શપથ સહિત નવા સ્પીકરની ચૂંટણી સુધી અત્યાર સુધી સીમીત રહ્યું છે. પણ પ્રોટેમ સ્પીકર મહારાષ્ટ્રમાં વિશ્વાસ મત અંગે પ્રસ્તાવ મૂકી શકે છે કેમ તેની ચર્ચા થઈ રહી છે. સ્પીકરની ચૂંટણી થવાની છે એ નક્કી છે અને ભાજપ સ્પીકરની ચૂંટણી સુધીનું જોખમ ખેડવા માંગશે નહીં. પ્રોટેમ સ્પીકર દ્વારા શું કરવામાં આવે છે તેના પર વિધાનસભાની કાર્યવાહી નિર્ભર રહેશે.

શરદ પવાર માટે મુશ્કેલીઓ ઓછી નથી. માત્ર ધારાસભ્યોને સાચવવા કરતાં અજિત પવારના જૂથને વિધાનસભામાં એનસીપી તરીકે માન્યતા મળી તો એનસીપીની કમાન સીધી રીતે તેમના હાથમાં આવી જશે અને જો ઘારાસભ્યોએ ભાજપ સરકારને ટેકો આપવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું તો ભાજપ સરકાર ટકી જાય અને વિશ્વાસ પ્રસ્તાવ જીતી જાય તેવા રાજકીય સમીકરણો જોવા મળી રહ્યા છે. મહારષ્ટ્ર વિધાનસભામાં 1995ની જેમ ગુજરાતવાળી એટલે કે શંકરસિંહ વાઘેલાવાળી થવાની શક્યતા નકારી શકાતી નથી.