28-29 સુધીમાં ગુજરાતના આ વિસ્તારોમાં કાતીલ ઠંડીના ભણકારા

ગુજરાતમાંથી મેઘરાજાએ તો વિદાય લઈ લીધી છે અને ઠંડીનો ચમકારો દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા શિયાળાને લઇને મોટી આગાહી કરવામાં આવી છે. દેશની ઉત્તર-પશ્ચિમી દિશામાં શિયાળુ સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 28-29 નવેમ્બર સુધીમાં ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળશે અને કાતિલ ઠંડી પડવાની પણ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના મતે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આગામી 28 નવેમ્બર સુધીમાં સમગ્ર ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઈ જશે. હવામાન વિભાગનું કહેવું છે કે, આ વર્ષે દેશમાં માર્ચ મહિના સુધી ઠંડીનું જોર રહેશે. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆર મહિનામાં અતિશય ઠંડી પડે તેવી સંભાવના છે.

હવામાન વિભાગના મતે ભારતમાં ઠંડી ડિસેમ્બર દરમિયાન ઉત્તર-પશ્ચિમ, મધ્ય ભારત અને ઈશાન રાજ્યોમાં સરેરાશ તાપમાન 1થી 3 ડિગ્રી રહેશે. જ્યારે 2019-20 દરમિયાન ઠંડીની મોસમમાં સતત પાંચમું વર્ષ એવું હશે કે તાપમાન સરેરાશ કરતાં વધુ રહેશે. ઠંડીનો નવો રેકોર્ડ બનશે.

ચાલુ વર્ષે ગુજરાત સહિત સમગ્ર ભારતના અલગ અલગ વિસ્તારોમાં ચોમાસુ લાંબુ ચાલ્યું છે જેની અસર ઠંડીની ઋતુ પર પણ જોવા મળશે. આ વર્ષે શિયાળો પણ સામાન્ય કરતાં વધારે લાંબો ચાલી શકે છે. ઠંડીમાં હિમાલયના દક્ષિણ હિસ્સામાં વેસ્ટર્ન ડિસ્ટબન્સની સંખ્યા વધી શકે છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન આવા 4-5 ડિસ્ટબન્સ આવતા પહાડો પર હિમવર્ષા થઈ શકે છે. જેથી મેદાની રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે.