સેક્સથી દુર રાખ્યા: 63 લાખનું વળતર ચૂકવવા આદેશ

મદ્રાસ હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યું કે, કોઈ વ્યક્તિને સેક્સથી બળજબરીથી દૂર રાખવું એ બંધારણના આર્ટિકલ 21નું ઉલ્લંઘન છે. કોર્ટે એક વ્યક્તિને કમરથી નીચે લકવાગ્રસ્ત એન.આનંદકુમારને 63 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો છે. 2008માં, આનંદ પર ઇલેક્ટ્રિક પોલ પડ્યો હતો, જેના કારણે તેની કરોડરજ્જુમાં ઇજા થઈ હતી અને કમરથી નીચે લકવાગ્રસ્ત થઈ ગયો હતો.

હાઈકોર્ટની સિંગલ જજ બેંચે પીડિતને પાંચ લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો હતો. પરંતુ ચેન્નઇ મ્યુનિસિપલ કોર્પોરેશને આની સામે મોટી બેંચ સમક્ષ અપીલ કરી હતી કે આ કેસને સિવિલ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે. જોકે, ડિવિઝન બેંચે મહાનગરપાલિકાની અરજીને ફગાવી દીધી હતી, જેમાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકાની બેદરકારીથી આનંદ કુમારને વ્હીલચેર પર જ લાવ્યો નહીં, પણ તેમના લગ્ન જીવનની સંભાવના પણ સમાપ્ત થઈ ગઈ.

બેન્ચે કહ્યું કે આનંદને તેમની ઇચ્છા વિરુદ્ધ બ્રહ્મચારી રહેવું પડ્યું. મહાપાલિકાની બેદરકારીને કારણે તે વૈવાહિક સુખથી વંચિત રહ્યા હતા. તેને માનવાધિકારનું ઉલ્લંઘન ગણાવી કોર્ટે એ પણ ઉલ્લેખ કર્યો છે કે બળજબરીથી સેક્સથી દૂર રહેવાથી આરોગ્ય પર કેવી અસર પડે છે.

આ સાથે કોર્ટે સિંગલ જજ બેંચ દ્વારા અપાયેલા પાંટ લાખનું વળતર 12 ગણો વધારીને 63 લાખ રૂપિયા કર્યુ છે. હકીકતમાં, તેમના વકીલે મહાનગર પાલિકા વતી દલીલ કરી હતી કે ઇલેક્ટ્રિક થાંભલાઓનું કામ આઉટસોર્સીંગ દ્વારા કરવામાં આવ્યું છે અને મહાનગર પાલિકાની તરફે કોઇ ઉપેક્ષા કરવામાં આવી નથી. કોર્ટે મહાનગરપાલિકાની દલીલ ગ્રાહ્ય રાખી નહીં અને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો.