ખેડુતોના પાક વીમાને લઈ દિલીપ સંઘાણીના આક્ષેપોથી ગુજરાત સરકારની પોલ ખૂલી, જાણો શું આક્ષેપો કર્યા?

પાક વીમા યોજના સામે રાજ્યભરમાં તિવ્ર અસંતોષ છે, ત્યારે હવે ભાજપનાજ પૂર્વ મંત્રીએ વીમા કંપનીઓ પર પ્રહારો કરતા ચર્ચા જાગી છે. બીજી તરફ ભાજપના સાંસદે પણ વીમા કંપનીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે.

વિપક્ષો દ્વારા પાક વીમા યોજના અંગે અનેક પ્રકારની ફરિયાદો થઈ રહી છે અને ખેડૂતો પણ આક્રોશમાં છે, ત્યારે ભાજપના જ પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીએ પણ વીમા કંપનીઓ પર આકરા પ્રહારો કર્યા છે.

દિલીપ સંઘાણીએ વીમા કંપનીઓ ખેડૂતોને અન્યાય કરી રહી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, તેમને ખેડૂતો તરફથી ગંભીર ફરિયાદ મળી છે. વીમા કંપનીઓ કોરા ફોર્મમાં ખેડૂતોની સહીઓ લઈને વીમો ચૂકવવામાં અખાડા કરવાના પ્રયાસો કરી રહી છે. ભાજપના જ સાંસદ પરબત પટેલનો ફોન પણ વીમા કંપનીઓ ઉપાડતી નથી, તેવી ફરિયાદ પણ આવી છે. પરબત પટેલે પણ વીમા કંપનીઓ વિરૃદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો છે.

દિલીપ સંઘાણીને બારમણ ગામના એક ખેડૂતે કરેલી ફરિયાદ મુજબ ખેડૂતોને વીમા કંપનીઓ કોરા ફોર્મ આપે છે અને તેના પર કાંઈ લખાણ કર્યા વગર જ ખેડૂતોને સહી કરી ફોર્મ પરત કરવાનું કહેવામાં આવે છે, તેથી ખેડૂતોને કોઈ વળતર મળવા અંગે આશંકા ઊભી થાય છે.

વીમા કંપનીઓ ખોટો રેકોર્ડ ઊભો કરીને ખેડૂતો સાથે અન્યાય કરી શકે છે. વીમા કંપનીઓ ખેડૂતોના પ્રિમિયમ અને સરકારી લાભો તો મેળવી લે છે, પરંતુ તગડી રકમ ઊભી કર્યા પછી ખેડૂતોને પાક નિષ્ફળ થવા બદલ વળતર ચૂકવવામાં અખાડા કરી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

ખેડૂતોને આ વર્ષે બેવડો માર પડ્યો છે. વાયુ વાવાઝોડામાં થયેલા વરસાદમાં વાવેતર કર્યા પછી વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ ગયો. તે પછી વરસાદ પડ્યા પછી વાવેતર કર્યું તો ભારે વરસાદના કારણે પૂરગ્રસ્ત સ્થિતિ ઊભી થતા કેટલાક જિલ્લાઓના ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો હતો.

તે પછી સરકારે સર્વે શરૃ કરાવ્યો અને જે વિસ્તારોમાં પાક તદ્ન નિષ્ફળ ગયો, તેને વિશેષ મદદ કરવાની જાહેરાતો થઈ. આ દરમિયાન ખેડૂતોએ જેમ-તેમ પ્રયાસો કરીને જે પાક બચાવ્યો હતો, તેને મહા વાવાઝોડા અને બુલબુલ વાવાઝોડાની અસર થવાથી થયેલા વરસાદ અને તોફાની પવને બરબાદ કરી નાંખ્યો છે.

ખેડૂતોને પડતા પર પાટુ પડી હોય તેમ આ વરસે વારંવાર કુદરતે થપાટો મારી, તો બીજી તરફ વીમા કંપનીઓએ પણ ખેડૂતોને અન્યાય કરવાના કારસા ઘડ્યા હોવાની આશંકાઓ ઊઠી રહી છે.

ખેડૂતોને મદદરૃપ થવા રાજ્ય સરકારે વિશેષ પેકેજ જાહેર કર્યું, પરંતુ તે અપૂરતું હોવાનો વિપક્ષોએ આક્ષેપ કર્યો છે, પરંતુ તે પછી સરકારે આ પેકેજ વધારવાની જાહેરાત પણ કરી છે, પરંતુ વીમા કંપનીઓનું વલણ જોતા ખેડૂતોને એક હાથે આપીને બીજા હાથે ઝુંટવી લેવાનું કોઈ સુનિયોજીત કાવતરૃ થયું હોવાનો સંદેહ વ્યક્ત થઈ રહ્યો છે.

સરકારે એવી જાહેરાત કરી છે કે વીમા યોજના હેઠળ મળનારા લાભો ઉપરાંત રાજ્ય સરકાર ખેડૂતોને વધારાની સહાય આપે છે, પરંતુ કાવાદાવા અને ખેડૂતોની કોરા ફોર્મમાં સહીઓ કરાવી ઉઘરાવીને જો વીમા કંપનીઓ વળતર ચૂકવે નહીં તો રાજ્ય સરકાર તરફથી વધારાની મદદ મળવા છતાં ખેડૂતોની હાલત કફોડી થઈ રહી છે. બીજી તરફ માવઠાઓના કારણે મગફળીમાં ભેજ પ્રવેશી ગયો, તેથી ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવી નથી અને રિજેક્ટ કરી તેથી પણ ખેડૂતોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે.

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી દિલીપ સંઘાણી ગુજકોમાસેલના અધ્યક્ષ પણ છે અને તેઓ પહેલેથી જ ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી પુરવઠા વિભાગ દ્વારા થાય, તેની સાથે સહમત નથી. તેનો દાવો એવો છે કે, ખેતપેદાશોનો અનુભવ પુરવઠા વિભાગને નહીં હોવાથી આ પ્રક્રિયા ગુજકોમાસોલ જેવી સંસ્થાને સોંપવી જોઈએ. સરકારની દલીલ એવી છે કે નાફેડની દેખરેખ અને માપદંડો મુજબ જ ખેતધારકોની ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે.

હવે ભાજપના જ વરિષ્ઠ નેતાઓ વીમા કંપનીઓ સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, લાચાર રૃપાણી સરકાર કેન્દ્ર સરકાર સમક્ષ કાલાવાલા કરી રહી છે, ત્યારે ખેડૂતોનું શું થશે તેવો સવાલ ઊઠી રહ્યો છે.