અમદાવાદને મળ્યા એન્ટી ટેરર એક્સપર્ટ પોલીસ કમિશનર નામે આશિષ ભાટિયા

અમદાવાદના પોલીસ કમિશનર એ કે સિંગની નેશનલ સિક્યૂરિટી ગાર્ડ (એનએસજી)માં નિયુક્તિ બાદ ખાલી પડેલી તેમની જગ્યા પર રાજ્યના અધિક મુખ્ય ગૃહ સચિવ સંગીતા સિંઘે સીઆઈડી ક્રાઈમના ડીજીપી આશિષ ભાટિયાની નિયુક્તિ કરી છે. જ્યારે આર્મ્સ યુનિટના વડા સંજય શ્રીવાસ્તવને સીઆઈડી ક્રાઈમમાં મુકવામાં આવ્યા છે. 1985 બેચના આશિષ ભાટિયા શિવાનંદ ઝા પછીના સૌથી સિનિયર આઈપીએસ અધિકારી છે. મિતભાષી અને ઓછું બોલનારા આશિષ ભાટિયા તેમના કામમાં એટલા જ કઠોર છે.ગુજરાતના સામાન્ય ઘરફોડ ચોરથી લઈને આંતર રાષ્ટ્રીય કક્ષાના ટેરરિસ્ટની બારીકમાં બારીક માહિતી ગુજરાતના કોઈ આઈપીએસ પાસે ઉપલબ્ધ હોય તો તે આશિષ ભાટિયા છે. ભારતમાં અને વિશ્વ ફલકે ચાલી રહેલા ટેરરિઝમને સમજીને તેનું કાઉન્ટર પોલીસિંગ કરવામાં માહેર આશિષ ભાટિયાની કુનેહ 2008માં સિરિયલ બ્લાસ્ટ વખતે કામમાં અમદાવાદને કામમાં આવી હતી.

2008માં આશિષ ભાટિયા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી (જોઈન્ટ પોલીસ કમિ.) હતા ત્યારે બ્લાસ્ટ કરનાર સુધી પહોંચવા અને તેમને પકડવામાં ભાટિયાની ભૂમિકા મહત્વની રહી હતી. 2008 અગાઉ દેશના વિવિધ રાજ્યોમાં બ્લાસ્ટ થયા હતા પણ અન્ય રાજ્યની પોલીસ જેમાં થાપ ખાઈ જતી હતી તેમાં ભાટિયા સફળ થયા અને 78 આરોપીઓને દેશભરમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. સામાન્ય રીતે પોતાની કચેરીમાં જ જોવા મળતા આશિષ ભાટિયા ભાગ્યે જ પોતાના સિનિયર અધિકારીઓ કે રાજકારણીઓની ઓફીસમાં જોવા મળે છે.

ગુજરાત પોલીસમાં શામેલ થયા પછી વિવિધ જિલ્લાઓમાં ડીએસપી તરીકે ફરજ બજાવી ચુકેલા આશિષ ભાટિયાએ અમદાવાદમાં પણ ડે. પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી હતી. આ તે જ સમયગાળો છે જ્યારે અમદાવાદમાં લતીફનો આતંક હતો. ત્યાર બાદ તેઓ અમદાવાદના એડિશનલ પોલીસ કમિશનર પણ થયા. હાલમાં તેઓ ગુજરાત સીઆઈડી ક્રાઈમના વડા હતા.

મૃતપાય બની ગયેલી ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને ફરી જીવંત કરવાનું કામ તેમણે કર્યું હતું. બિટકોઈન અને વિનય શાહ જેવા મોટા કૌભાંડીઓના પર્દાફાશ પણ તેમના કાર્યકાળમાં થયા હતા.અમદાવાદના ક્રાઈમને બરોબર સમજી શકનાર આશિષ ભાટિયા અમદાવાદના ડીસીપી હતા ત્યારે કુખ્યાત તાજ મહોમ્મદ (તાજિયા ગેંગ)નું એન્કાઉન્ટર પણ અમદાવાદમાં થયું હતું. આમ તેઓ આતંકની ભાષા બોલનાર સાથે તેમની જ ભાષામાં વાત કરવા માટે જાણીતા છે.( શ્રી નૂતન સૌરાષ્ટ્રમાંથી સાભાર)