ભાજપ-અજીત પવારને વધુ એક  ફટકો, આ ધારાસભ્ય શરદ પવાર કેમ્પમાં પાછા ફર્યા

ભાજપ-અજીત પવારના કેમ્પમાં ચિંતા પેદા થવાની સંભાવના જન્મી છે. એનસીપીના બળાવાખોર વધુ એક ધારાસભ્ય રવિવારે શરદ પવારની છાવણીમાં પરત ફર્યા હોય તેમ લાગે છે, કારણ કે તેમને મુંબઈની રેનાન્સન્સ હોટલમાં પ્રવેશ કરતા જોવાયા હતા. આ હોટલમાં એન.સી.પી. ધારાસભ્યોને ઉતારો આપવામાં આવ્યો છે. ડેપ્યુટી મુખ્યમંત્રી અજિત પવારને સમર્થન આપનારા ધારાસભ્યો પૈકીના એક એવા સિન્નારના ધારાસભ્ય માણિકરાવ કોકાટે શનિવારથી ગુમ થયા હતા. શનિવારે ફડણવીસે મુખ્યમંત્રી અને અજિત પવારે ડેપ્યુટી સીએમ તરીકે નાટકીય રીતે શપથ ગ્રહણ કર્યા હતા.

એનસીપીના ગૂમ થયેલા ધારાસભ્ય દોલત દરોડાએ આજે સવારે સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરી કહ્યું હતું કે તેઓ સલામત છે અને તેમણે એનસીપી છોડી નથી. આ ઉપરાંત નીતિન પવારે પણ વીડિયો રિલીઝ કરી કહ્યું હતું કે હું એનસીપી ચીફ શરદ પવારની સાથે છું.

શિવસેના,કોંગ્રેસ અને એનસીપી પોતાના ધારાસભ્યોને સાચવવાની પળોજણમાં પડ્યા છે. એનસીપીએ પોતાના ધારાસભ્યોને રેનાન્સન્સ હોટલમાં રાખ્યા છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો જેડબ્લ્યુ મેરૂતમાં છે. કોંગ્રેસના નેતા અહેમદ પટેલે તમામ ધારાસભ્યો કોંગ્રેસની સાથે છે અને સંયુક્તપણે ભાજપના પડકારને પહોંચી વળવા સક્ષમ હોવાનું જણાવ્યું હતું.