મહારાષ્ટ્રનો રાજકીય ડ્રામા: સુપ્રીમમાં આવતીકાલે ફરી સુનાવણી, ફડણવીસ, અજીત પવાર અને સરકારને નોટીસ ફટકારાઈ

શનિવારે સવારે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા હાઇ વોલ્ટેજ રાજકીય નાટક વચ્ચે, દરેકની નજર સુપ્રીમ કોર્ટ પર હતી. કોર્ટે કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર સરકાર, સીએમ ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારને નોટિસ ફટકારી છે. સોમવારે સાડા દસ વાગ્યે ફરીથી સુનાવણી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ અજિત પવારના શપથ ગ્રહણને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

સુપ્રીમ કોર્ટે તમામ સંબંધિત પક્ષોને નોટિસ ફટકારી છે. તાત્કાલિક બહુમતી પરીક્ષણ અંગે કોઈ નિર્ણય કર્યો નથી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી અજિત પવારને નોટિસ ફટકારી છે. કોર્ટે સોલિસીટર જનરલ તુષાર મહેતાને રાજ્યપાલના આદેશની નકલ અને ફડણવીસે સોમવારે સવારે તેમને આપેલા સમર્થન પત્રની કોપી અદાલતમાં રજૂઆત કરવા જણાવ્યું છે.

એડવોકેટ મુકુલ રોહતગીએ કહ્યું કે ત્રણેય પક્ષો ત્રણ અઠવાડિયા સુધી સૂઈ રહ્યા હતા. તેમણે કોર્ટને કહ્યું કે મુખ્યમંત્રીને નોટિસ ફટકારવા જણાવ્યું હતું, તેઓ તેમનો પક્ષ રજૂ કરશે. રાજ્યપાલ તેમની મુનસફી મુજબ નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. રાજ્યપાલે રસ્તે ચાલતા માણસને શપથ લેવડાવ્યા નથી.

મુકુલ રોહતગીની દલીલ પર કે રાજ્યપાલના નિર્ણયની ન્યાયિક સમીક્ષા થઈ શકે નહીં, કોર્ટે કહ્યું કે આનો અર્થ એ નથી કે કોઈને પણ શપથ લેવડાવી દેવામાં આવે.

વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે એનસીપીના કુલ MLA  54 ધારાસભ્યોમાંથી 41 ધારાસભ્યોએ રાજ્યપાલને લેખિતમાં જાણ કરી છે કે અજિત પવારને એનસીપી વિધાનસભા પક્ષના નેતા પદ પરથી હટાવવામાં આવ્યા છે.

શિવસેના વતી દલીલ કરતાં કપિલ સિબ્બલે કોર્ટને કર્ણાટકની જેમ પર 24 કલાકમાં બહુમતી પરીક્ષણનો આદેશ આપવા માંગ કરી હતી. તેમણે કર્ણાટકનો ઉલ્લેખ કરતાં કહ્યું કે રાજ્યપાલે યેદિયુરપ્પાને બહુમતી સાબિત કરવા માટે 19 દિવસનો સમય આપ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે 24 કલાકમાં ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો.

વરિષ્ઠ એડવોકેટ મુકુલ રોહતગી સુપ્રીમ કોર્ટમાં ભાજપ તરફથી હાજર થઈ રહ્યા છે. બીજી તરફ, કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી મુખ્યત્વે મહા વિકાસ અઘાડી વતી દલીલ કરી રહ્યા છે. જસ્ટિસ એન. વી.રમન્ના, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ સંજીવ ખન્નાની ખંડપીઠની સુનાવણી ચાલી રહી છે.