શું ધર્મગ્રંથોમાં લખાયેલી કુદરતી આફતો શરૂ થઈ ગઈ છે? શું પ્રલયો વહેલા આવી રહ્યા છે? જાણો વધુ

કેન્દ્રના પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે દાવો કર્યો છે કે, જ્યારે વિશ્વ પર્યાવરણ સંકટ સામે ઝઝુમી રહ્યું છે, ત્યારે ભારત તેમની જવાબદારી પૂરેપૂરા પ્રયાસો સાથે નિભાવી રહ્યું છે. વિશ્વના દેશોએ પણ ભારતની જેમ પર્યાવરણના ક્ષેત્રે જવાબદારી નિભાવવી જોઈએ. તેમણે કહ્યું કે, આવતા મહિને સ્પેનમાં મળનારી કોપ-25ની બેઠકમાં આ મુદ્દો રજૂ કરશે.

પેરિસ સમજૂતિને લઈને વિકાસશીલ દેશોને પર્યાવરણ સરંક્ષણ માટે નાણાં અને ટેકનોલોજી બન્ને મળવા જ જોઈએ, તેવી રજૂઆત તેઓ પેરિસ સમજૂતિના સંદર્ભે સ્પેનમાં યોજાનારી કોપ-રપની બેઠકમાં જોરશોરથી ઉઠાવશે.

લોકસભામાં પણ પર્યાવરણના મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ ચર્ચા સતત ત્રણ દિવસ સુધી ચાલી હતી, અને સંસદ સભ્યોએ અનેક સૂચનો પણ કર્યા હતાં.

આ મુદ્દે શાસકપક્ષ અને વિપક્ષના સાંસદ સભ્યોએ મોટા ભાગે રાજનીતિને એકબાજુ રાખીને વિચારો વ્યક્ત કર્યા હતાં. જાવડેકરે કહ્યું કે, દેશને વિકાસ અને પર્યાવરણની સુરક્ષા માટે સમતુલન જાળવવાની જરૃરી છે, કારણ કે બન્ને અનિવાર્ય છે. દિલ્હી મેટ્રોનું દૃષ્ટાંત આપતા તેમણે કહ્યું કે કોઈપણ વિકાસના કામ માટે અનિવાર્યપણે જ્યારે કોઈપણ ઝાડ કાપવા પડે, તો એક વૃક્ષની સામે પાંચ વૃક્ષો ઉછેરવા જોઈએ.

તેમણે કહ્યું કે, ભારત અને ચીને જંગલો વધાર્યા છે. ભારતે બિનપરંપરાગત ઉર્જાનો વ્યાપ વધાર્યો છે, અને વર્ષ-ર૦૩૦ સુધીમાં પવન ઉર્જા, સોલાર ઉર્જા જેવા બિનપરંપરાગત માધ્યમો દ્વારા ૪.પ૦ લાખ મેગાવોટ ઉર્જા ઉત્પન્ન કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

કેન્દ્રિય મંત્રી પર્યાવરણ ક્ષેત્રે સંસદસભ્યોના પ્રશ્નોના જવાબ જે રીતે આપ્યા તે જોતાં લોકસભામાં થયેલી ચર્ચા તદ્દન નિરર્થક નિવડી નથી, તેમ માની શકાય.

પર્યાવરણના રક્ષણની વાતો તો ઘણી થાય છે, પરંતુ અંદરની વાત એ છે કે, પર્યાવરણના રક્ષણ માટે માત્ર સરકાર જ નહીં, પરંતુ દેશની મોટાભાગની જનતા પણ જાગૃત નથી, અને સહિયારા પ્રયાસો કર્યા વિના આ ક્ષેત્રે પરિણામલક્ષી કામ થઈ શકે તેમ નથી. પર્યાવરણની જાળવણી માટે પ્રદુષણનું નિવારણ જરૃરી છે અને તે માટે પ્રદુષણના પ્રકારો જાણવા એટલા જ જરૃરી છે. જ્યાં સુધી પ્રત્યેક વ્યક્તિ સ્વયં પર્યાવરણ પ્રત્યે જાગૃત નહીં થાય, ત્યાં સુધી તેના પર જોખમો વધતા જ રહેવાના છે, અને જો આવી જ સ્થિતિ રહેશે તો એક સમયે શાસ્ત્રો-ધર્મગ્રંથોમાં વર્ણવેલો પ્રલય પણ થઈ શકે છે.

આ વર્ષે ચોમાસું મોડું થયું, અને તે પછી છેક દિવાળી સુધી વરસાદ વરસતો રહ્યો. ચોમાસા પહેલા ‘વાયુ’ વાવાઝોડું આવ્યું, તેની સાથે કમોસમી વરસાદ થયો અને ચોમાસા દરમિયાન અને તે પછી પણ ‘મહા’ વાવાઝોડું તથા ‘બુલબુલ’ વાવાઝોડું આવ્યુ. તેની સાથે પણ વરસાદ થયો.

અત્યારે વહેલી સવારે અને મધ્યરાત્રિના સમયે ઠંડી અનુભવાય છે, જ્યારે બપોરે ગરમી હોય છે. આ પ્રકારના વાતાવરણને ‘ક્લાઈમેટ ચેઈન્જ’ કહેવાય છે. આ સમસ્યા ઘણી ગંભીર છે અને તેની પાછળ પર્યાવરણ અસમતુલન રહેલું છે. આ સ્થિતિ ઉભી કરવાનું પાપ આપણે બધા કરી રહ્યાં છીએ.

ભારતમાં દર વર્ષે વાયુ પ્રદુષણના કારણે ૧૨ લાખ લોકો મૃત્યુ પામતા હોવાનો અંદાજ છે. દેશમાં દિલ્હી સૌથી વધુ પ્રદુષિત શહેર છે. જો કે, હવે દેશના મોટા ભાગના શહેરો વાયુ પ્રદુષણ અને જલ પ્રદુષણના શિકાર બન્યા છે.

ગ્રીનપીસ ઈન્ડિયા દ્વારા ૨૪ રાજ્યોના ૧૬૮ રાજ્યોમાં કરાયેલા સર્વેનો રિપોર્ટ ચોંકાવનારો છે. ‘વાયુ પ્રદુષણથી ફેલાતું ઝેર’ નામના આ રિપોર્ટમાં જણાવ્યું છે કે દક્ષિણ ભારતના કેટલાક શહેરોને છોડીને ભારતના કોઈ પણ શહેરમાં કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા રાખવામાં આવેલા માપદંડોનું પાલન જ થઈ રહ્યું નથી. પેટ્રોલ-ડીઝલ સંચાલિત વાહનો અને ઔદ્યોગિક સંકુલોને હવા પ્રદુષણ વધારનારા પરિબળો ગણાવાયા છે. તમાકુ ખાવાથી થતા મૃત્યુ જેટલા જ મૃત્યુ હવાઈ પ્રદુષણથી થતા હોવાનું કહેવાય છે.

સૂર્યના કિરણો સીધા પૃથ્વી પર પડે તો બધુ બળીને ભષ્મ થઈ જાય પરંતુ પૃથ્વીને ફરતુ ઓઝોનનું પડ સૂર્યના કિરણોને ગાળીને પૃથ્વી પર પહોંચવા દે છે, તેથી ઓઝોનનું પડ આપણું સુરક્ષા કવચ છે, પરંતુ આ સુરક્ષાકવચમાં ધરતી પરના વધી રહેલા પ્રદુષણો છીંડુ કરી દીધું છે. આ કારણે ગ્લેશિયર પીગળી રહ્યા છે, અને સમુદ્રમાં જીવો મરી રહ્યા છે ધરતીનું તાપમાન વધી રહ્યું છે. આથી ભવિષ્યમાં નદીઓ પર લૂપ્ત થઈ જવાનો ખતરો ઉભો થયો છે.

સાંપ્રત સમયમાં પાણી પણ પ્રદૂષિત થઈ રહ્યું છે આપણી જીવનશૈલી જ એવી બની ગઈ છે કે આપણે જ કુદરતે આપેલા જળને પ્રદૂષિત કરી રહ્યા છીએ. આ વિષયનેે પૂરેપૂરો જાણવા ઉંડો અભ્યાસ રજૂ કરવો પડે, પરંતુ સંક્ષિપ્તમાં એટલું જરૃર કહી શકાય કે આપણે ભૂગર્ભના જળને પણ હવે પ્રદૂષિત કરવા લાગ્યા છીએે. દુન્યવી કચરો, ગંદકી અને ક્ષારોથી પ્રદૂષિત પાણી અનેક પ્રકારની બીમારીઓ અને જીવલેણ રોગો ઉત્પન્ન કરી રહ્યું છે. વાયુ પ્રદૂષણ અને જળપ્રદુષણથી થતી બીમારીઓના કારણે થતા મૃત્યુનું પ્રમાણ સતત વધી રહ્યું છે.