નશાબાજ યુવાનો વિરુદ્વ વડોદરા પોલીસની મેગા ડ્રાઈવ, નશા કરતા 56ની ધરપકડ

ડ્રગ્સના રવાડે ચઢેલા યુવાધનને અટકાવવા માટે વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા મોડી રાત્રે શહેરના વિવિધ 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે ડ્રગ્સના નશામાં જણાઇ આવેલા શંકાસ્પદ ૫૬ વ્યક્તિઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા ક્રાઇમ બ્રાંચના ડી.સી.પી. જયદીપસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં ડ્રગ્સના રવાડે ચઢેલા યુવાધનને અટકાવવા માટે શહેર પોલીસ તંત્ર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતની સૂચના મુજબ વડોદરા શહેર પોલીસ તંત્રની વિવિધ 10 ટીમો બનાવવામાં આવી હતી. અને ડ્રગ્સનો નશો કરતા હોય તેવા દસ સ્થળો નક્કી કરીને દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન 56 વ્યક્તિઓને ડ્રગ્સના શંકાસ્પદ નશામાં ઝડપી પાડવામાં આવ્યા હતા. અને તેઓને ક્રાઇમ બ્રાંચની કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓના વાલીઓને બોલાવીને તેમની હાજરીમાં જ પોલીસ મથકમાં લાવીને તેઓનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું.

ડી.સી.પી. જયદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, મોડી રાત્રે વિશ્વામિત્રી બ્રિજ નીચે, સોમા તળાવ હનુમાન ટેકરી, મનીષા ચોકડી હોન્ડા શો-રૂમની બાજુમાં, સુભાનપુરા સંતોષી નગર, સૌરાષ્ટ્ર પાન, વાસણા રોડ, કલ્યાણ પાર્ટી પ્લોટની બાજુમાં, બીસ્ટ એન્ડ બાઇટ કેફે, ઇલોરા પાર્ક, પાણીગેટ દરવાજા પાસે, કલ્યાણ કાફે, ફતેગંજ, અકોટા ડી-માર્ટની બાજુમાં અને સન ફાર્મા રોડ, એચ.સી.જી. હોસ્પિટલ પાસે દરોડા પાડવામાં આવ્યા હતા. નશાની હાલતમાં શંકાસ્પદ ઝડપાયેલા તમામે અફીણ અને ગાંજાનો નશો કર્યો હોવાનું જણાઇ આવ્યું હતું. દરોડા દરમિયાન પોલીસને ગાંજા અને અફીણની પડીકી પણ મળી આવી હતી.