અમદાવાદ: BRTSમાં BMW કાર ઘૂસી ગઈ અને પોલીસે ફટકાર્યો આટલો મોટો દંડ

અમદાવાદમાં બીઆરટીએસ બસનો ખૌફ વધતા જાય છે, ત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે. બીઆરટીએસ કોરીડોરમાં વાહન ચલાવતા શહેરીજનો થઇ જજો સાવધાન, નહીં તો તમારા પર ટ્રાફિક પોલીસ મોટી કાર્યવાહી કરી શકે છે. શુક્રવારે બીઆરટીએસ કોરીડોરમાં એક બીએમડબ્લ્યુ કાર ચલાવનારને રૂપિયા ૩ હજારનો દંડ ટ્રાફિક પોલીસે ફટકાર્યો છે. લક્ઝુરીયસ કારને ટ્રાફિક પોલીસે દંડ ફટકારતા એક ઉદાહરણરૂપ કહી શકાય તેવું કામ કર્યું છે.

અમદાવાદના પાંજરાપોળ સર્કલ પાસે ગુરુવારે બીઆરટીએસ બસ અને બાઈકનો અકસ્માત થતા બે યુવકના મોત થયા હતા. ત્યાં શુક્રવારે સવારે એક બીએમડબ્લ્યુ કારચાલકે બીઆરટીએસ રૂટમાં કાર ચલાવતા પોલીસે કારચાલકને રોકી 3000નો દંડ ફટકાર્યો હતો. શહેરમાં દોડતી બીઆરટીએસ બસો માટે બીઆરટીએસ કોરિડોર બનાવવામાં આવ્યો છે. તેમાં એએમટીએસની બસો, ગુજરાત એસટીની બસો અને પોલીસ તેમજ એમ્બ્યુલન્સને પ્રવેશ કરવાની છૂટ છે.

બીઆરટીએસ રૂટમાં અમુક ખાસ કિસ્સામાં વીવીઆઈપીઓના વાહનો પસાર થતાં હોય છે. આ સિવાયના અન્ય કોઈ ખાનગી વાહનો પ્રવેશ કરે તો તેને દંડ ફટકારવામાં આવે છે. ત્યારે પાંજરાપોળ બીઆરટીએસ રૂટમાં ઘૂસેલી એક લક્ઝુરિયર કાર GJ01KM7090ના ચાલકને ત્રણ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સવારે સાડા દસ વાગ્યાના અરસામાં શૈશવ કમલેશભાઈ પ્રજાપતિએ બીઆરટીએસના કોરિડોરમાં બીએમડબ્યુ કાર હંકારી હતી. જેથી ટ્રાફિક નિયમનો ભંગ થતાં તેને દંડ કરવામાં આવ્યો હતો.