અજીત પવારના બળવાથી એનસીપીના ઉભા ફાડચા: કાકા શરદ પવાર વાતો કરતા રહ્યા અને ભત્રીજાએ બાજી ગોઠવી

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ધડાકો થયો છે. એનસીપાના બે ઉભા ફાડચા થઈ ગયા છે. કાકા શરદ પવાર બાજી ગોઠવી રહ્યા હતા અને ભત્રીજા અજીત પવારે ભાજપને ટેકો આપી દીધો અને હવે નવો ખેલ શરૂ થયો છે. ગણિત મૂકાઈ રહ્યું છે કે અજીત પવારની સાથે કેટલા ધારાસભ્યો છે.

અજીત પવારે પોતાની સાથે 33 ધારાસભ્યો હોવાનો દાવો કર્યો છે. જ્યારે શરદ પવારના પુત્રી સુપ્રીયા શૂળેએ કહ્યું કે માત્ર પાર્ટીના બે ટૂકડા થયા નથી પણ પરિવારના પણ બે ટૂકડા થયા છે. અજીત પવારના કાકા શરદ પવાર સામે બળવાથી કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાની સરકારની રચનાનો ખેલ અત્યારે સમાપ્ત થઈ ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

દેશમાં આવી ઘટના પહેલી વખત બની નથી તે પરિવારના સભ્ય દ્વારા જ પરિવાર અને પાર્ટીના ચીફને ઉંઘા માથે પછાડી દેવામાં આવ્યા હોય. એક તરફ કોંગ્રેસ, એનસીપી અને શિવસેના સરકારની રચના કરવા માટે બાજી ગોઠવી રહ્યા હતા ત્યારે ભાજપની થીંક ટેન્ક અજીત પવારની સાથે ઓપરેશન કરી રહી હતી. ભાજપના નેતાઓ પાછલા કેટલાક સમયથી મૌન બની ગયા હતા. કોઈ સમજે વિચારે તે પહેલાં ફડણવીસ અને તેમની ટીમે અજીત પવારને હાથ પર લઈને ત્રણ-ત્રણ મોટી પાર્ટીઓ અને શરદ પવાર જેવા રાજકારણના ખેલંદાને ઉંધા પાડ્યા છે. ખાસ કરીને ઠાકરે સરકારની રચનાનું સ્વપ્ન ફરી એક વખત રંગદોળાતું હોવાનું પ્રતિપાદિત થઈ રહ્યું છે.