ભાજપનો જુગાર, અજીત પવાર માટે કપરા ચઢાણ, NCPની બેઠકમાં 48 ધારાસભ્યો હાજર, મામલો સુપ્રીમમાં પહોંચ્યો

એનસીપીમાં ભત્રીજા અજીત પવાર દ્વારા બળવો કરવામાં આવ્યા બાદ એનસીપીની યશવંતરાવ હોલમાં મીટીંગમાં યોજવામાં આવી. આ મીટીંગમાં આજતકના રિપોર્ટ પ્રમાણે 42 ધારાસભ્યો હાજર રહ્યા હતા તો એનસીપીએ 48 ધારાસભ્યો હાજર હોવાનો દાવો કર્યો છે.

અજીત પવાર સાથે વહેલી સવારે શપથવિધિમાં દેખાયેલા ધનંજય મૂંડે પણ શરદ પવારની મીટીંગમાં હાજર રહેલા જોવા મળ્યા હતા. જ્યારે અજીત પવાર પોતાના નિવાસે સતત ફોન પર ચીટકેલા જોવા મળી રહ્યા છે. અજીત પવારે એનસીપીના તમામ 54 ધારાસભ્યોના ભાજપને સમર્થન સાથેનો પત્ર રાજ્યપાલને સુપરત કર્યો હતો. આ પત્ર બાદ દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારની અનુક્રમે સીએમ અને ડેપ્યુટી સીએમ તરીકે શપથવિધિ કરવામાં આવી હતી.

ભાજપે અજીત પવારના નામ સાથે મોટો જુગાર રમ્યો છે. એક તરફ રાજકારણના ખેલંદા શરદ પવાર છે તો બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસ અને અન્યો છે. અમિત શાહે એનસીપી પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હોવાનું ન્યૂઝ ચેનલો જણાવી રહી છે.

એનસીપીના ધારાસભ્યોને પવઈમાં આવેલા રેન્સાં રિસોર્ટમાં રાખવામાં આવશે જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોને મધ્યપ્રદેશ મોકલવામા આવી રહ્યા છે. શિવસેના પણ પોતાના ધારાસભ્યોને હોટલમાં રોકાણ કરવા માટે કહી રહી છે.

આ દરમિયાનમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ ભાજપ અને અજીત પવારની શપથવિધિને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે અને કહ્યું છે કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દ્વારા બંધારણનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે અને રાજ્યપાલના નિર્ણયને રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે.

કોંગ્રેસના નેતા અહેમદ પટેલે પત્રકારોને કહ્યું કે રાજ્યપાલે ધારાસભ્યોના પત્રનું કોઈ પણ પ્રકારનું વેરિફેશન કર્યા વિના શપથ કરાવ્યા અને તે પણ વહેલી સવારે તે બાબત માં કશું ખોટું થયું છે. ગઠબંધનની સરકાર બનશે અને કોંગ્રેસ તથા અન્ય સાથી પક્ષો રાજકીય અને કાયદાકીય લડત એમ બન્ને રીતે લડવા માટે સુસજ્જ છે.