દેશભરમાં મેડિકલ ક્ષેત્રની નકલી ડિગ્રીઓનો વ્યાપાર ધમધોકાર ચાલી રહ્યો છે. આ માટે એક જબરદસ્ત નેટવર્ક સક્રીય છે. ખાસ કરીને આયુર્વેદ તેમજ યુનાની તથા વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓના નામ હેઠળ અનેક ડુપ્લીકેટ ડીગ્રીઓ બજારમાં ઉપલબ્ધ છે. વર્તમાનમાં ઈલેક્ટ્રો હોમીયોપેથીના નામે ડુપ્લીકેટ તબીબી ડીગ્રીઓનું માર્કેટ વિકસી રહ્યું છે. આર.એમ.પી. ડોક્ટર તથા ભળતા નામોએ ડીગ્રીઓ આપવામાં આવે છે. ખાસ કરીને બિહાર અને ઉત્તરપ્રદેશમાં આ નેટવર્ક ખૂબ સક્રીય છે.
ડુપ્લીકેટ ડીગ્રીધારી બોગસ ડોક્ટરો ગ્રામ્ય વિસ્તારોમાં પ્રેકટીશ કરી માનવજીવન સાથે ચેડા કરતા જોવા મળે છે. હવે તો શહેરોમાં પણ આવા ડોક્ટરો જોવા મળે છે.
પત્ર વ્યવહારથી ડોક્ટરની ડીગ્રી મેળવો, ૬ મહિના કે ૧ વર્ષમાં ડોક્ટર બનો વગેરે જેવી જાહેરખબરોથી સાવધાન રહેવાની જરૃર છે. આવી જાહેરખબરો પ્રસિદ્ધ કરાવનાર શૈક્ષણિક સંસ્થાઓ જ ડુપ્લીકેટ ડીગ્રીઓનો વ્યાપાર કરતી હોય છે. યુજીસી દ્વારા ડુપ્લીકેટ મેડિકલ ડીગ્રીઓ આપનારી ૭ મુખ્ય સંસ્થાઓની યાદી જાહેર કરવામાં આવી છે. (૧) નવી દિલ્હી મેડિકલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈલેક્ટ્રોપેથી મહાવીર નગર દિલ્હી, (૨) હેલ્થ એન્ડ મેડિકલ ઓરંગી રોડ, કોલકાતા, (૩) મેડિકલ કોલેજ ઓફ અલ્ટરનેટીવ મેડિસીન્સ, કનાલ સ્ટ્રીટ, કોલકાતા, (૪) ઈન્ડિયન બોર્ડ ઓફ અલ્ટરનેટીવ મેડિસીન ઓરંગી રોડ, કોલકત્તા, (૫) ઈલકેટ્રોપેથી મેડિકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયા, નાગપુર, (૬) ઈન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ એન્ડ હાઈજીના નવી દિલ્હી, (૭) ઈન્ડિયન ઈસ્ટિટ્યુટ ઓફ અલ્ટરનેટીવ મેડિસીન, નાગપુર.
આ ઉપરાંત અધિકૃત મેડિકલ શૈક્ષણિક સંગઠનોના ભળતા નામો હેઠળ પણ નકલી ડીગ્રીઓનું નેટવર્ક ચાલી રહ્યું છે. ઉદાહરણરૃપે લઈએ તો ‘સેન્ટ્રલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયન મેડિસીન એ સરકાર માન્ય અધિકૃત સંસ્થા છે તેને બદલે ‘સેન્ટ્રલ કાઉન્સીલ ઓફ એલોપેથી પ્રેકટીશ નર્સ’ ‘સેન્ટ્રલ કાઉન્સીલ ઓફ મેડિકલ પ્રેકટીશનર્સ’ વગેરે ભળતા નામોવાળી સંસ્થાઓ ગેરકાયદે કાર્યરત છે. આવી અનઅધિકૃત શૈક્ષણિક સંસ્થાઓ તથા બોગસ શૈક્ષણિક સંસ્થાઓ તથા બોગસ ડોક્ટરોથી સાવધાન રહેવા યુજીસીએ જાહેર અનુરોધ કર્યો છે.