ભરૂચમાં બે આખલાએ ભરરસ્તે ભેરવ્યા શિંગડા, આખલા લડાઈમાં અડફેટે ચઢી ગઈ મહિલા

ભરૂચના લિંક રોડ ઉપર ગુરૂવારે રાત્રે બે આખલાઓ સામ સામે આવી ગયા હતા. બે આખલાઓ વચ્ચે યુદ્ધ શરૂ થતાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત થઇ હતી. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

ભરૂચ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. રખડતા ઢોરોએ લોકોને અડફેટે લેવાની ઘટનાઓ વારંવાર સામે આવે છે. ગુરૂવારે રાત્રે ભરૂચના લિંક રોડ પર બે આખલાઓ આમને-સામને આવી ગયા હતા અને જેને કારણે રસ્તા પર વાહનો લઇને જતા લોકોના જીવ જોખમમાં મૂકાઇ ગયા હતા. લોકો આખલાઓથી બચવા માટે ભાગતા જોવા મળ્યા હતા. આખલાઓની લડાઇમાં એક મહિલા ઇજાગ્રસ્ત થઇ હતી.

ભરૂચમાં રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય થઇ ગયો છે. ભરૂચની પ્રજા રખડતા ઢોરોના ત્રાસથી પરેશાન છે. તેમ છતાં ભરૂચ નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોના માલિકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી.