…અને અચાનક નવસારીમાં 30થી વધુ લોકો શ્વાસ રૂંધાવાની ફરીયાદ લઈ હોસ્પિટલ દોડી ગયા

નવસારી જિલ્લાના વાંસદા ગામે લગાવવામાં આવેલા ફિલટરેશન પ્લાન્ટના પાણીમાં કલોરીનેશન વખતે ગેસ ભળતા વાંસદાનાં તળાવ ફળિયાના ૩૦ લોકોને ગૂંગળામણઅનુભવાઈ હતી. સાથે જ કેટલાક લોકોને ઉલટીની ફરિયાદો સાથે જ શ્વાસ લેવામાં પણ વધુ તકલીફ જણાતા તેમને વાંસદા કૉટેજ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયારે ઘટનાને પગલે વહીવટી તંત્ર દોડતું થયું હતું.

વાંસદા ગ્રામ પંચાયત દ્વારા ગામના લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે એના માટે ગામના તળાવ ફળિયામાં આવેલી ટાંકી સાથે ફિલટરેશન પ્લાન્‌ જોડવામાં આવ્યો છે. જેના દ્વારા લોકોને પીવાનું શુદ્ધ જળ મળી રહે છે.જોકે ફિલટરેશન પ્લાન્ટમાં ટેકનીકલ ખામી સર્જાતા પીવાના પાણી સાથે ક્લોરિનેશન ગેસ ભળતા લોકોને ગુંગળામણ થવા લાગી હતી. જોતજોતામાં ફળિયાના ૩૦ લોકોને સમસ્યા જણાતા તેમને તાત્કાલિક વાંસદા ગ્રામ પંચાયતના ઉપર આવેલા ટાઉન હોલમાં પ્રાથમિક સારવાર આપવાની શરૂ કરાઈ હતી.

કેટલાક લોકોને ઉલટીની ફરિયાદ સાથે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી જણાતા ૫ લોકોને વાંસદા કૉટેજ હૉસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાંથી ૩ લોકોને થોડા સમય માટે ઓક્સીજન પણ આપવો પડ્યો હોવાની માહિતી મળી હતી.ઉલ્લેખનીય છે કે, વાંસદામાં ફિલટરેશન પ્લાન્ટને અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આવી ઘટના બીજી વાર બની છે. અગાઉ પણ આ પ્રકારે ગૂંગળામણની ફરિયાદો થઇ હતી, પણ વધુ સમસ્યા ન થતા વાત બહાર આવી હતી.

ઘટનાની જાણ થતા જ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ તેમજ વાંસદા મામલતદાર વિશાલ યાદવ અને તેમની ટીમ તેમજ આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સાથે જ વાંસદાના ભાજપી આગેવાનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.ઘટના બાદ જે લોકોને પાણીમાં ગેસ ભળવાથી આરોગ્યને લગતી ફરિયાદો હતી, એમને યોગ્ય સારવાર મળે એની તકેદારી રાખવાની સુચનાઓ આપવા સાથે જ ઘટના મુદ્દે તલસ્પર્શી તપાસનાં આદેશ પણ મામલતદારે આપ્યા હતા.