મોદી સરકારે પરેશાનીમાં આવી ગયેલા મુખ્ય ટેલિકોમ કંપનીઓને રૃપિયા 42 હજાર કરોડની રાહત આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કેબિનેટે સ્પેક્ટ્રમ સેક્શન સાથે જોડાયેલા હપ્તાઓની ચૂકવણી બે વર્ષ માટે ટાળી છે.
મોદી સરકારે ટેલિકોમ કંપનીઓને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. ગઈકાલે આર્થિક મામલાની કેબિનેટ કમિટીની મિટિંગમાં દૂરસંચાર કંપનીઓને સ્પેક્ટ્રમ પેમેન્ટ પર બે વર્ષ માટે છૂટ આપવાનો નિર્ણય કરાયો છે. નાણાકીય વર્ષ 2020-21 અને 2021-22 ના સ્પેક્ટ્રમ પેમેન્ટમાં છૂટ આપવાથી ભારતી એરટેલ, વોડાફોન, આઈડિયા અને રિલાયન્સ જિયોને 42,000 કરોડ રૃપિયાની રાહત મળશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે મિટિંગમાં કરેલા નિર્ણયોની જાણકારી આપતા કહ્યું કે, દૂરસંચાર કંપનીઓને થઈ રહેલી પરેશાનીને જોતા કેબિનેટએ સ્પેક્ટ્રમ ઓક્શન સાથે જોડાયેલા ઈન્સ્ટોલમેન્ટની ચૂકવણીને બે વર્ષ માટે ટાળવાનો નિર્ણય કર્યો છે. સીતારમણે કહ્યું કે ડેફર્ડ સ્પેક્ટ્રમ પેમેન્ટના બાકીના હપ્તાને બરાબરમાં વહેંચવામાં આવશે અને હાલના ટાઈમ પીરિયડમાં કોઈ વધારો કરવામાં નહીં આવે. નાણામંત્રીએ કહ્યું કે, ટેલિકોમ કંપનીઓને ડેકર્ડ સ્પેક્ટ્રમ પેમેન્ટ્સ પર નિયત વ્યાજ ચૂકવવાનું રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ મહિને સુપ્રિમ કોર્ટે એજીઆર વિવાદમાં સરકારનો પક્ષ લીધો હતો. એસી એ કહ્યું હતું કે તેની ગણતરીમાં ટેલિકોમ કંપનીઓના નોન-કોર રેવન્યૂને પણ સામેલ કરવામાં આવે. તેનાથી જુલાઈ 2019 સુધી લાઈસન્સ ફી, પેનલ્ટી અને વ્યાજ તરીકે કંપનીઓ પર 92,642 કરોડનું દેવું વધ્યું હતું, ત્યારે એસયુસીના કારણે ઓક્ટોબર સુધીમાં કંપનીઓ પર 55,054 કરોડનો બોજો વધ્યો હતો.
બીએસઈ પર ગઈકાલે વોડા-આઈડિયાનો શેર 17.5 ટકા વધીને 7.07 રૃપિયા પર બંધ રહ્યો હતો, જ્યારે એરટેલનો શેર 0.46 ટકાના સામાન્ય ઘટાડા સાથે 473.25રૃપિયા પર રહ્યો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર 2.47 ટકા વધીને 1547.05 રૃપિયા પર બંધ થયો હતો.
જો કે, એરટેલ અને વોડાફોન-આઈડિયાએ સરકારને પેનલ્ટી અને વ્યાજ માફ કરવાની અપીલ કરી હતી અને મૂળ રકમ ચૂકવવા માટે વધારે સમય માગ્યો હતો. તેમનું કહેવું હતું કે, શરૃઆતના બે વર્ષ સુધી ચૂકવણી પર છૂટ આપવામાં આવે. એરટેલ પર જેટલી રકમ બાકી છે તેમાં દંડ અને વ્યાજની રકમ મળીને મૂળ બાકીની 75 ટકા છે. બન્ને કંપનીઓએ સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં પ્રોવિજનિંગ (ચૂકવણી માટે પૈસા અલગ રાખ્યા) કર્યું. જેથી વોડા-આઈડિયાને રિકોર્ડ 51,000 કરોડ અને એરટેલને ર૩ હજાર કરોડનું નુક્સાન થયું.
દૂરસંચાર કંપનીઓને રાહત આપવાના ઉપાયો પર વિચાર કરવા માટે કેન્દ્રના કેબિનેટ સેક્રેટરી રાજીવ ગાબાની આગેવાનીમાં એક કમિટી બનાવાઈ હતી. ગાબા ઉપરાંત કમિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક એફેર્સ, ફાઈનાન્શિયલ અફેર્સ, રેવેન્યૂ, કોર્પોરેટ અફેર્સ, ટેલિકોમ, આઈટીના સેક્રેટરી અને નીતિ આયોગના સીઈઓ સામેલ હતાં. ટેલિકોમ કંપનીઓ ત્રણ વર્ષથી પ્રાઈઝવોરનો સામનો કરી રહી છે અને તેમના પર સાત લાખ કરોડથી વધારેનો બોજો છે.