PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પર ફરી વળશે આ પાર્ટીનું બૂલડોઝર, બૂલેટ ટ્રેનના ફન્ડીંગને અટકાવશે?

PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટની આડે ખેડુતોનું આંદોલન તો છે જ હવે ભવિષ્યમાં બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ ઘોંચમાં પડી જાય તેવી સ્થિતિ આકાર લઈ રહી છે. મહારાષ્ટ્રમાં સરકારની રચનાની ગતિવિધિ જોરમાં છે અને ઠાકરે સરકાર રચાવાની તૈયારીઓ થઈ રહી છે ત્યારે બૂલેટ ટ્રેન પ્રોજેક્ટના ભવિષ્ય પર મસમોટો પ્રશ્નાર્થ મૂકાઈ જવા પામ્યો છે.

શિવસેના, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે ચર્ચા ચાલી રહી છે. ત્રણેય પક્ષો કોમન મિનિમમ પ્રોગ્રામ ઉપર વિચાર કરી રહ્યા છે. આમાં ખેડુતો માટે મોટી જાહેરાત કરી શકાય છે. બુલેટ ટ્રેન માટે મહારાષ્ટ્ર સરકારે આપેલી રકમનો ઉપયોગ ખેડૂતોના દેવા માફીમાં થઈ શકે છે.

જો સૂત્રોનું માનીએ તો કોમન મિનિમમ પ્રોગ્રામમાં ત્રણ પક્ષો વચ્ચે આ મુદ્દે ચર્ચા ચાલી છે. તમને જણાવી દઈએ કે બૂલેટ ટ્રેન પ્રોગ્રામમાં રાજ્ય સરકારો દ્વારા પૈસા આપવાના છે, જેમાં મહારાષ્ટ્રનો ભાગ છે, તે બંધ કરી શકાય છે. પ્રોજેક્ટમાં મહારાષ્ટ્રનો 25 ટકા હિસ્સો છે.

બtલેટ ટ્રેન પ્રોજેક્ટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક માનવામાં આવે છે. દેશની પહેલી બૂલેટ ટ્રેન અમદાવાદથી મુંબઇ વચ્ચે દોડશે. જાપાનની મદદથી આ ટ્રેન તૈયાર કરવામાં આવી રહી છે, લોકસભાની ચૂંટણી પૂર્વે વડા પ્રધાન મોદી અને જાપાનના વડા પ્રધાન શિંઝો અબેએ આ પ્રોજેક્ટનો પાયો નાખ્યો હતો.

શિવસેના દ્વારા CMP(કોમન મીનીમમ પ્રોગ્રામ) પર વિગતવાર ચર્ચા થઈ રહી છે. શિવસેના દ્વારા મહાગઠબંધનને મહાપાલિકાના કક્ષાએ પહોંચાડવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મુંબઈ, થાણે, નાસિક અને કલ્યાણ-ડોમ્બિવલીમાં ભાજપ-શિવસેનાનો કબજો છે, જેની અસર હાલની રાજકીય પરિસ્થિતિ પર પડી શકે છે.

હવે શિવસેના કલ્યાણ-ડોમ્બિવલીમાં મેયર પદ છોડવા માટે તૈયાર નથી, જ્યારે અગાઉ નક્કી કરવામાં આવ્યું હતું કે ચાર વર્ષ બાદ શિવસેના પદ છોડશે અને ભાજપ આ પદ એક વર્ષ સુધી રાખશે.

દિલ્હીમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે સતત બેઠક થઈ રહી છે. બંને પક્ષો અલગ-અલગ બેઠક કરી રહ્યા છે, ત્યારબાદ બપોરે અંતિમ રાઉન્ડ યોજાવાનો છે. આ પછી કોંગ્રેસ અને એનસીપી શુક્રવારે મુંબઈમાં શિવસેના સાથે અંતિમ વાતચીત કરશે.

શિવસેનાના નેતા સંજય રાઉતે પણ દાવો કર્યો છે કે શુક્રવાર સુધીમાં મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે નિર્ણય લેવામાં આવશે અને ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં સરકાર બનાવવામાં આવશે.