નિગમોનું ખાનગીકરણ અને ઇલેકટોરલ બોન્ડના મામલે સંસદમાં ધાંધલ-ધમાલ

વિપક્ષ કોંગ્રેસે ગુરુવારે લોકસભાનું કામકાજ શરૂ થતાં જ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) સહિત કેટલાક પીએસયુના ખાનગીકરણ અને ચૂંટણીઓ વખતે જ રાજકિય પક્ષોને ફંડ આપવા બહાર પડાતા કરોડો રૂપિયાના ચૂંટણી બોન્ડ(ઇલેકટોરલ બોન્ડ) જારી કરવાના મોદી સરકારના પગલાનો સદનમાં જોરદાર વિરોધ પ્રદર્શન કરીને ઇલેકટોરલ બોન્ડને “મોટુ કૌભાંડ” ગણાવ્યું હતું. વિપક્ષે આ મુદ્દાને લઈને સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો મચાવ્યો હતો. જો કે, લોકસભામાં અધ્યક્ષ ઓમ બિરલાએ તેમને ખાતરી આપી હતી કે ઝીરો અવર દરમિયાન તેમને મુદ્દાઓ ઉઠાવવાની મંજૂરી આપવામાં આવશે તે પછી જ આશરે ૧૫ મિનિટ સુધી સદનમાં અધ્યક્ષની સામે વેલમાં ધસી જઇને વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કર્યા બાદ કોંગ્રેસના સભ્યો તેમની બેઠકો પર પાછા ફર્યા હતા. અને સરકાર સામે સદનમાં આરોપોનો મારો ચલાવીને વોકઆઉટ કર્યો હતો. કોંગ્રેસનું કહેવું હતું કે બોન્ડ દ્વારા ભાજપને આર્થિક ફાયદો થયો છે. કોંગ્રેસે આ અંગે સરકાર પાસે જવાબ માંગ્યો છે.

લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ સરકાર સામે આંગળી ચિંધતા આરોપ મૂક્યો કે ” ચૂંટણીઓ સમયે જ બહાર પાડવામાં આવતાં ઇલેકટોરલ બોન્ડ એક મોટુ કૌભાંડ છે. દેશને લૂંટવામાં આવી રહ્યો છે. અધ્યક્ષે આવા ગંભીર મામલે અમને બોલવાની મંજૂરી આપવી જોઇએ.”

જોકે, સ્પીકર બિરલાએ રોષે ભરાયેલા સભ્યોને કહ્યું હતું કે સાંસદોએ વેલમાં આવીને ગૃહનું ગૌરવ ઓછું ન કરવું જોઈએ. “આ ખોટું છે. ગૃહ રમતગમત સાથે જોડાયેલી વ્યકિતઓ પર ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરી રહ્યું છે. ત્યારે અધ્યક્ષના આસન સુધી આવીને સાથે વાત ન કરો. ગૃહનું ગૌરવ અને પ્રતિષ્ઠા જાળવવી એ દરેક સભ્યની જવાબદારી છે,” અધ્યક્ષે કહ્યું કે હાથ પરના પ્રશ્નનો સમય ખૂબ મહત્વનો છે અને સાંસદોએ કાર્યવાહીમાં વિક્ષેપ ન મૂકવો જોઈએ.

વારંવાર સૂત્રો પોકારી રહેલા કોંગ્રેસના સાંસદોને તેમણે સમજાવ્યાં કે “હું એક નવો સભ્ય છું. તમે વરિષ્ઠ છો. મહેરબાની કરીને વેલમાં ધસી ના આવો. સંયમ અને શિસ્ત જાળવો,” બિરલાએ વધુમાં કહ્યું કે, તેમણે કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા સદનની કાર્યવાહી મુલતવી રાખવાના પ્રસ્તાવને તેમણે સ્વીકાર્યો નથી, તેમ છતાં પાર્ટીને ઝીરો અવર દરમિયાન બોલવાની મંજૂરી આપવા તૈયાર છે. ત્યારબાદ જ કોંગ્રેસના સાંસદો તેમની બેઠકો પર પરત ગયા હતા.

આ સમયે ચૌધરીએ કહ્યું અધ્યક્ષને ઉદ્દેશીને કહ્યું કે વિપક્ષ ગૃહની સુવ્યવસ્થિત કામગીરીમાં સહકાર આપે છે અને અધ્યક્ષ પણ તેમની સાથે એવો જ વ્યવહાર રાખે.

“તમે નવા નથી. તમે ગૃહના અધ્યક્ષ છો. અધ્યક્ષના સ્થાનનો અમે અનાદર નહીં કરીએ અમને ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવા માટે સદનની કાર્યવાહી સ્થગિત કરવાની અમને ફરજ પાડવામાં આવે છે. અમે આ સૂચના આપી છે કારણ કે આ એક મોટુ કૌભાંડ છે. દેશને લૂટવામાં આવી રહ્યો છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ ગૃહમાં કહ્યું હતું કે સરકારે ચૂંટણીલક્ષી બોન્ડ જારી કર્યા છે, સરકારનો ભ્રષ્ટાચાર વધી ગયો છે. તેમણે કહ્યું કે ચૂંટણી બોન્ડના દાતાની જાણકારી હોતી નથી, કે કેટલું પૈસા ચૂકવવામાં આવ્યાં, કોને આપવામાં આવ્યાં તેની પણ કોઈ માહિતી હોતી નથી.

કોંગ્રેસના સાંસદ શશી થરૂરે ચૂંટણી બોન્ડ વિશે જણાવ્યું હતું કે, ’જ્યારે ચૂંટણી બોન્ડ રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારે આપણામાંના ઘણાએ તેના પર ગંભીર વાંધો ઉઠાવ્યો હતો. અને આ બોન્ડ પાર્ટીને પ્રભાવિત કરવાનો કોઈ રસ્તો હોઈ શકે એમ પણ જણાવ્યું હતું.

અધ્યક્ષ એમ.વેંકૈયા નાયડુને ટેબલ પર જરૂરી દસ્તાવેજો મૂક્યા બાદ કહ્યું હતું કે કોંગ્રેસના મોહમ્મદ અલી ખાન, બી.કે. હરિપ્રસાદ અને ડાબેરી પક્ષોના સભ્યો, કે રાગેશ, ઇલામરામ કરીમ અને ટી.કે. રંગરાજન વગેરે જાહેર ક્ષેત્રના ઉપક્રમોના ડિસઇન્વેસ્ટમેન્ટ અને ચૂંટણી બોન્ડના મુદ્દે આરબીઆઈના વાંધા અંગે ચર્ચા કરવા વર્ક સસ્પેન્શન નોટીસ આપવામાં આવી છે. પરંતુ તેમણે આ નોટિસ સ્વીકારી નથી. તેમણે કહ્યું કે આ નોટિસોને કારણે અન્ય (મુદ્દાઓ) મુલતવી રાખીને તેને અગ્રતા આપી શકાય નથી.

કોંગ્રેસની સંસદીય વ્યૂહરચના બેઠક અંગે સૂત્રો કહે છે કે અમે ચૂંટણી બોન્ડના મુદ્દાને આટલી જલ્દીથી સમાપ્ત થવા દઈશું નહીં. અમે સરકારને જવાબદાર બનાવીશું.

સંસદના શિયાળુ સત્રના ચોથા દિવસે ભાજપને ચૂંટણી બોન્ડ( ઇલેકટોરલ બોન્ડ) દ્વારા મળેલા રાજકીય દાન અંગે હોબાળો મચ્યો છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે બોન્ડ દ્વારા ભાજપને ફાયદો થયો છે. જણાવી દઈએ કે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ભારતીય જનતા પાર્ટીને ૨૦,૦૦૦ રૂપિયાથી વધુના દાનમાં રૂ. ૭૪૩ કરોડ રૂપિયા મળ્યા છે. આ રકમ કોંગ્રેસ સહિત છ રાષ્ટ્રીય પક્ષો દ્વારા મળેલા દાનની રકમથી ત્રણ ગણી વધારે છે.

સૂત્રોએ જણાવ્યું કે, ૩૧ ક્ટોબરના રોજ ચૂંટણી પંચ સમક્ષ દાખલ કરેલા સોગંદનામામાં ભાજપે આ વાતનો ખુલાસો કર્યો હતો. આ માહિતી સોમવારે જાહેર કરવામાં આવી હતી. ભાજપને પ્રાપ્ત રૂ. ૭૪૭ કરોડની રકમ કોંગ્રેસ સહિત અન્ય તમામ રાષ્ટ્રીય પક્ષોને આવી દાનમાં મળેલી સંયુક્ત રકમ કરતાં ત્રણ ગણા વધારે છે.