નવા મોટર વાહન અધિનિયમના અમલ બાદથી દેશભરમાં 577 કરોડથી વધુના ચલણો કાપવામાં આવ્યાં છે. આ માહિતી પરિવહન મંત્રાલયે લોકસભામાં એક સવાલના જવાબમાં આપી હતી. જોકે મંત્રાલયે સ્વીકાર્યું કે તે વાસ્તવિક આવક નથી કારણ કે અદાલતોને ચાલાન મોકલવામાં આવે છે. આ સવાલ ગુરુવારે લોકસભામાં ભાજપના સાંસદ જગદમ્બિકા પાલ દ્વારા પૂછવામાં આવ્યો હતો, જેનો જવાબ વાહન વ્યવહાર પ્રધાન નીતિન ગડકરીએ આપ્યો હતો.
કેન્દ્ર સરકારે પહેલી સપ્ટેમ્બરના રોજ નવા મોટર વ્હીકલનો સુધારેલો કાયદો લાગુ કર્યો. આ અંતર્ગત ચાલાનનો દર વધારવામાં આવ્યો હતો, જેનો હેતુ માર્ગ અકસ્માતો અટકાવવાનો છે. પરિવહન મંત્રાલયે લોકસભામાં લેખિત જવાબમાં 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડેટા શેર કર્યા છે.
પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે, ચંદીગઢમાં અત્યાર સુધીમાં 5,58,25,650 રૂપિયા, આસામમાં 15,45,500 રૂપિયા, છત્તીસગઢમાં 14,81,800 રૂપિયા, યુપીમાં 2,01,91,31,192 રૂપિયાના ચાલાન ફાડવામાં આવ્યા છે. જ્યારે રાજધાની દિલ્હીમાં 34,15,07,607 રૂપિયા, રાજસ્થાનમાં 5,56,77,662 રૂપિયા, પંજાબમાં 85,64,701 રૂપિયા, ઉત્તરાખંડમાં 3,05,36,284 રૂપિયા, ગુજરાતમાં 1,01,27,85,400 રૂપિયા, હરિયાણામાંથી 72,18,84,608 રૂપિયાના ચાલાન ફાડવામાં આવ્યા છે અને દંડની વસુલાત કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં, 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રૂ .5,77,51,79,895 નું ચલણ કાપવામાં આવ્યા છે. જ્યારે 38 લાખ લોકોના ચાલાન ફાડવામાં આવ્યા છે. તમિલનાડુમાં સૌથી વધુ ચાલાન ફાડવામાં આવ્યા છે. અહીં 14,13,996 લોકોને ચાલાન આપવામાં આવ્યાં છે. સરકારે કહ્યું કે કોઈ પણ રાજ્યે ટ્રાફિકના નવા કાયદાના અમલીકરણનો ઈન્કાર કર્યો નથી, પરંતુ કેટલાક રાજ્યોએ ચોક્કસપણે ચાલાનના દરોમાં ઘટાડો કર્યો છે.
સરકારના કહેવા મુજબ માર્ગ અકસ્માતમાં પણ ઘટાડો થયો છે. જોકે, ફક્ત નવ રાજ્યોના ડેટા શેર કરવામાં આવ્યા છે. સરકારે ગયા વર્ષના સપ્ટેમ્બર-ઓક્ટોબરના સમયગાળાથી સપ્ટેમ્બર-ઓક્ટોબર 2019માં માર્ગ અકસ્માતોની તુલના કરતા ડેટા લોકસભના ટેબલ પર મૂક્યા હતા.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે અકસ્માતોની સંખ્યા કેરળમાં 2.1%, યુપીમાં 9.8%, બિહારમાં 10.5%, ગુજરાતમાં 13.8%, ઉત્તરાખંડમાં 21.8%, હરિયાણામાં 11.8%, પુડુચેરીમાં 30.7%, ચંદીગઢમાં 75% ઘટી છે. જોકે છત્તીસગઢમાં માર્ગ અકસ્માતમાં 4.01નો વધારો થયો છે.