ઓલપાડ જમીન પ્રકરણ: ભાજપના મુસ્લિમ નેતા વિરુદ્વ સીટ તપાસનો ધમધમાટ

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલી અને કરોડો રૂપિયાની જમીનમાં ભાજપના મુસ્લિમ નેતા વિરુદ્વ સીટની તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સીટ દ્વારા આ જમીન પ્રકરણમાં સંડોવાયેલા તમામની પૂછપરછ કરવાનો તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે.

આરટીઆઈ મારફત પૂછવામાં આવેલી માહિતી અન્વયે ઓલપાડ પોલીસે જણાવ્યું છે કે ઓલપાડના જમીન કેસમાં હાલ તપાસ ચાલી રહી છે અને આના કારણે વધુ વિગતો આપી શકાય એમ નથી.

જાણવા મળ્યા મુજબ ઓલપાડની અંદાજે 12થી 15 કરોડ રૂપિયાની જમીનની ખરીદીનો મામલે છેક દિલ્હી સુધી પહોંચ્યો હતો. ગુજરાત સરકારના ભાજપના મોટા ગજાના નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓએ આ પ્રકરણમાં સમાધાન કરવાના પ્રયાસો કર્યા હતા પરંતુ ભાજપના આ મુસ્લિમ નેતાએ તમામની વાતને ઢેબે મારી હતી અને સમાધાનની શરતોનું પાલન કર્યું ન હતું. ત્યાર બાદ આ પ્રકરણમાં સંબંધિત જમીન ખરીદનારા લોકોએ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ પણ કરી હતી.

પોલીસ ફરીયાદ બાદ આ મામલો સીધી રીતે સીટને હવાલે કરવામાં આવ્યો છે. ભાજપના મુસ્લિમ નેતા હાલમાં જ લંડનથી પરત થયા છે અને જમીનનો મોટો સોદો પણ કર્યો છે. આ સોદા પેટે 10-12 કરોડ રૂપિયાનું પેમેન્ટ પણ મળ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. અને તમામ નાણા વિદેશમાં સગેવગે કરવામાં આવ્યા હોવાની માહિતી છે. નાણા વિદેશમાં પોબારા કરવાની ઘટનામાં ઈડીમાં પણ ફરીયાદ કરવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. હવે આવી  સ્થિતિમાં ભાજપના મુસ્લિમ નેતા અને તેના મળતીયા અને સુરતમાં હોટલ ચલાવતી વ્યક્તિ સામે ગમે ત્યારે સીટનો કોરડો વિંઝાય તેવી શક્યતા જોવા મળી રહી છે.