સુપ્રીમ કોર્ટે ગુરુવારે ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન હરેન પંડ્યાની હત્યા કેસમાં 10 આરોપીઓને દોષિત ઠેરવવાના ચૂકાદાને યથાવત રાખ્યો છે.. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે આ કેસમાં આરોપીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી પુનર્વિચારની અરજીઓને રદ કરવામાં આવે છે. નોંધપાત્ર વાત એ છે કે 2003માં ગુજરાતના તત્કાલીન મંત્રીની હત્યા કરવામાં આવી હતી.
આ કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા 12 આરોપીઓમાંથી 10 આરોપીઓએ રિવ્યુ પીટીશન કરી હતી. જસ્ટીસ અરૂણ મિશ્રા અને વિનીત સરનની ખંડપીઠે રિવ્યુ પીટીશન ફગાવી દીધી છે. ખંડપીઠે તેના ચુકાદામાં કહ્યું, “અમે પુનર્વિચારણા અરજીઓ પર નજર નાખી છે અને અમારું માનવું છે કે જે પ્રમાણે સમીક્ષાની અપીલ કરવામાં આવી હતી તેને જોતાં રિવ્યુ કરવા માટેનું દેખીતું કોઈ કારણ જાણી શકાયું નથી. તેથી, સમીક્ષાની અરજી રદ કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 26 માર્ચ, 2003ના રોજ અમદાવાદમાં હરેન પંડ્યાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સીબીઆઈના જણાવ્યા અનુસાર, હરેન પંડ્યાની હત્યા 2002ના ગુજરાત રમખાણોનો બદલો લેવા માટે કરવામાં આવી હતી. આ વર્ષે જુલાઈમાં, નીચલી અદાલતના ચુકાદાને બહાલ કરીને સુપ્રીમ કોર્ટે 12 લોકોને દોષી ઠેરવ્યા. ટ્રાયલ કોર્ટે આરોપીને 5 વર્ષ સુધીની આજીવન કેદની સજા સંભળાવી હતી.
આ કેસમાં અસગર અલી, મોહમ્મદ રઉફ, મોહમ્મદ પરવેઝ અબ્દુલ કય્યુમ શેખ, પરવેઝ ખાન પઠાણ ઉર્ફ અતહર પરવેઝ, મોહમ્મદ ફારૂક ઉર્ફ હાજી ફારૂક, શાહનવાઝ ગાંધી, કલીમ અહમદ ઉર્ફે કલીમુલ્લા, રેહાન પુથવાલા, મોહમ્મદ રિયાઝ સરેસવાલા, અનીઝ માચીસવાલા, મોહમ્મદ યુનુસ સરેસવાલા અને મોહમ્મદ સૈફુદ્દીનને દોષિત ઠેરવવામાં આવ્યા છે.