કોંગ્રેસે 70 વર્ષ રોડા નાંખ્યા, હવે અયોધ્યામાં ગગનચૂંબી રામ મંદિર બનશે : અમિત શાહ

ઝારખંડમાં ફરી એક વખત ભાજપની સરકારની વાપસી માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સ્વયં કમાન સંભાળી લીધી છે. ઝારખંડના લાતેહાર શહેરમાં ચૂંટણી પ્રચારનો શંખનાદ કરતા શાહે રામ મંદિરનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ ઘેરી હતી. શાહે જણાવ્યું કે કોંગ્રસે અયોધ્યા મુદ્દે રોડા નાંખ્યા હતા. અયોધ્યા પર સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટના નિર્મયથી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનો રસ્તો સાફ થઈ ગયો છે અને હવે ત્યાં ગગનચૂંબી ભવ્ય મંદિરનું નિર્માણ થશે.

અમિત શાહે જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો પરત લેવા કેન્દ્ર સરકારના નિર્ણયનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીએ પોતાની વોટબેન્કની લાલચમાં ૭૦ વર્ષ સુધી આ મામલો લટકાવી રાખ્યો હતો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાતાના મુકુટ પર લાગેલો આર્ટિકલ ૩૭૦ના કલંકને હટાવીને કાશ્મીરના વિકાસનો રસ્તો ખોલી નાંખ્યો છે. બીજી વખત કેન્દ્રમાં સરકાર રચ્યાના પ્રથમ સત્રમાં જ કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦-૩૫એને હટાવવાનું કામ નરેન્દ્ર મોદીજીની સરકારે કર્યું છે.

ગૃહ મંત્રીએ રેલી દરમિયાન આદિવાસી મતદારોને લલચાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. કેન્દ્ર દ્વારા આદિવાસીઓ માટેની યોજનાઓનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું કે ભાજપ સરકારે પાંચ વર્ષમાં આદિવાસીઓનું ગૌરવ વધારવા કોઈ કચાસ નથી બાકી રાખી. તેમણે જણાવ્યું કે ભાજપ સરકારે આદિવાસીઓના વિકાસ માટે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ અંતર્ગત ૩૨ હજાર કરોડ રૂપિયા આપ્યા છે. આદિવાસી ભાઈઓ-બહેનોના બાળકોના શિક્ષણ માટે વડાપ્રધાને દેશભરમાં દરેક આદિવાસી બ્લોકમાં એકલવ્ય સ્કૂલનું નિર્માણ કરાવ્યું છે. પાંચ વર્ષમાં દેશમાં ૪૩૮ એકલવ્ય સ્કૂશ બનાવવાનું કામ ભાજપે કર્યું છે.

ગૃહ મંત્રીએ દાવો કર્યો કે ભાજપની રઘુબર દાસની સરકારે પાંચ વર્ષમાં રાજ્યમાં નક્સલવાદને નાબૂદ કરી નાંખ્યો છે. નક્સલવાદને નાબૂદ કરવાની દિશામાં રઘુબર દાસ સરકારે સંખ્યાબંધ પગલાં લીધા હતા. જેને પગલે આજે ઝારખંડના ખુણે-ખુણે વીજળી, રસ્તા, પીવાનું પાણી અને ગેસ સિલિન્ડર પહોંચ્યા છે.