BRTS કોરિડોર વિરુદ્વ અમદાવાદીઓએ ખોલ્યો મોરચો, મેયર અને કમિશનરનો કર્યો ઘેરાવ

સુરત અને અમદાવાદમાં પાછલા 24 ક્લાકમાં કુલ સાત વ્યક્તિના મોત થયા અને આ મોતનું કારણ બન્યું છે સિટી બસ સેવા. ખાસ કરીને મહાનગરપાલિકાઓમાં સિટી બસ સેવા માટે ઉભા કરવામાં આવેલા અલાયદા રોડની સામે અમદાવાદીઓ રસ્તા પર ઉતર્યા હતા અને મેયર અને કમિશનરનો ઘેરાવ કર્યો હતો અને વિરોધ પ્રદર્શનને સોશિયલ મીડિયામાં બહોળી પ્રસિદ્વી મળી રહી છે.

આ કાર્યક્રમમાં અમદાવાદ કોંગ્રેસના પ્રમુખ શશીકાંત પટેલ, વિપક્ષના નેતા દિનેશ શર્મા, મક્તમપુર-જુહાપુરાના કોર્પોરેટર હાજીભાઈ સિમેન્ટ વગેરે જોડાયા હતા. મોટી સંખ્યામા લોકો આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા અને મેયર તેમજ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરનો ધેરાવ કર્યો હતો.

બીઆરટીએસ કોરિડોર લોકોની સલામતીના બદલે લોકોની જાન લેતું થઈ ગયું છે અને ઉપરાછાપરી બનાવો બની રહ્યા છે. સંખ્યાબંધ નિર્દોષ લોકો બીઆરટીએસ અને સિટી બસની અડફેટમાં મોતને ભેટ્યા છે. પ્રદર્શન કરી બીઆરટીએસ કોરિડોરને બંધ કરવાની માંગ કરવામાં આવી હતી.