શિવસેનાને સમર્થન અંગે કોંગ્રેસ વર્કીંગ કમીટી સંમત, મહારાષ્ટ્રમાં નવા ગઠબંધનનું હશે આ નામ, હવે દડો પવારના હાથમાં

કોંગ્રેસ વર્કીંગ કમીટી (સીડબ્લ્યુસી)એ ગુરુવારે મહારાષ્ટ્રમાં શિવસેનાની સાથે સરકારની રચના માટે આગળ વધવાની મંજૂરી આપી હતી. શુક્રવાર સુધીમાં કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે. આજે રાત્રે કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ શરદ પવારના ઘરે ફરી મળવાના છે. આ પછી શુક્રવારે મુંબઇમાં કોંગ્રેસ અને એનસીપીની શિવસેના સાથે બેઠક છે.

ગુરુવારે સવારે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાને યોજાયેલી સીડબ્લ્યુસીની બેઠકમાં મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિની ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ કોંગ્રેસના મહામંત્રી કેસી વેણુગોપાલે કહ્યું કે આ બેઠકમાં કોંગ્રેસ-એનસીપીની બેઠક અંગે માહિતી આપવામાં આવી છે અને શુક્રવાર સુધીમાં કોઈ નિર્ણયની અપેક્ષા છે.

તેમણે કહ્યું, ‘અમે સીડબ્લ્યુસી સભ્યોને મહારાષ્ટ્રની નવીનતમ રાજકીય પરિસ્થિતિ વિશે માહિતી આપી. કોંગ્રેસ અને એનસીપી વચ્ચે આજે પણ વાટાઘાટો થશે. મને લાગે છે કે આવતીકાલે મુંબઈમાં કોઈક નિષ્કર્ષ પર આવી શકીશું.

સૂત્રોના જણાવ્યા મુજબ આ મહાગઠબંધનનું નામ ‘મહાવિકાસ અઘાડી’ (પ્રોગેસીવ અલાયન્સ) હશે અને આ મુખ્ય એજન્ડા ખેડૂત અને વિકાસનો હશે. દિલ્હીમાં પડાવ નાંખનારા ત્રણેય પક્ષના નેતાઓ હવે મુંબઇ પરત ફરી રહ્યા છે અને સરકારના સ્વરૂપને લઈને હજી ચર્ચાઓ ચાલી રહી છે. બીજી તરફ, એનસીપી અને શિવસેના વચ્ચે મુખ્યમંત્રી પદ શેર કરવા માટે હજી ઝઘડો છે. એટલું જ નહીં એનસીપીના સુપ્રીમો શરદ પવારે સરકાર પર ‘હવે કંઇક કહેવા યોગ્ય નથી’ એમ કહીને સસ્પેન્સ વધાર્યું છે.

શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે કહ્યું, ‘કોંગ્રેસ-એનસીપીના નેતાઓએ મને કહ્યું કે કોમન મીનીમમ પ્રોગ્રામના મુદ્દા પરની ચર્ચા સુખદ, સરળ અને યોગ્ય દિશામાં છે. હું આજે નવી દિલ્હીમાં એનસીપી અધ્યક્ષ શરદ પવારને મળીશ. ”તેમણે કહ્યું કે પાર્ટી નેતા ઉદ્ધવ ઠાકરે ટૂંક સમયમાં જ‘ સારા સમાચાર આપશે. રાઉતે કહ્યું કે સરકાર શિસસેના બનાવશે અને અમે મીઠાઇના ઓર્ડર પણ આપ દીધા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર શિવસેના અને એનસીપી વચ્ચે થયેલા કરાર મુજબ શિવસેના અને એનસીપી 30-30 મહિના સુધી મુખ્યમંત્રી રહેશે. જો કે, હજી તેની પુષ્ટિ થઈ નથી.

દરમિયાન શિવસેનાના નેતાએ કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે સંપૂર્ણ પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી રહેશે. તેમણે કહ્યું કે બે ડેપ્યુટી સીએમ હશે, જેમાંથી એક એનસીપીના અને કોંગ્રેસના એક હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર બનાવવા માટે આગામી બે દિવસની વાટાઘાટમાં એનસીપી હવે શિવસેના સાથે મુખ્યમંત્રી પદ શેર કરવા સોદાબાજી પર વધુ ભાર મૂકશે.

હવે જોવાનું એ મહત્વનું બનશે કે શિવસેના સોદાબાજી અંગે એનસીપી સાથે કેટલી હદે સહમત થાય છે.  વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના કરતા એનસીપીને માત્ર બે બેઠકો જ ઓછી મળી છે. એનસીપીના 54 અને શિવસેનાના 56 ધારાસભ્યો છે.