આખરે અર્જુન રામપાલે આપ્યા મહેર જેસિયાને તલાક, દિકરીઓ કોની પાસે રહેશે? જાણો

બોલિવૂડનાં અભિનેતા અર્જુન રામપાલ અને મોડલ મેહર જેસિયાએ લગ્નના 21 વર્ષ બાદ સત્તાવાર રીતે ડિવોર્સ લઈ લીધા છે. અર્જુન અને મેહરે સર્વાનુમતિથી છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં અરજી આપી હતી અને ફેમિલી કોર્ટે બંનેને છૂટાછેડા આપી દીધા છે. બંનેના લગ્નને બે દશકા જેટલો સમય વિતી ગયો છે. તેમને બે દીકરીઓ માહિકા અને માયરા પણ છે. દીકરીઓની કસ્ટડી કોર્ટે મેહર જેસિયાને આપી છે. તેથી બંને દીકરીઓ હવેથી માતાની સાથે જ રહેશે.

અર્જુન અને મેહરે આ વર્ષે એપ્રિલ મહિનામાં જ છૂટાછેડા માટે અરજી આપી હતી. 1998માં બંનેએ લવ મેરેજ કર્યા હતા. તેમના લગ્નજીવનમાં 2011 પછીથી કોઈને કોઈ કારણ સર તકરાર થતી રહેતી હતી. અર્જુન રામપાલ છેલ્લા ઘણા સમયથી પોતાનું ઘર છોડીને પોતાની ગર્લફ્રેન્ડ ગેબ્રેલા સાથે રહી રહ્યો છે.

નોંધનીય છે કે તાજેતરમાં જ ગેબ્રેલાએ અર્જુન રામપાલના દીકરા અરિકને જન્મ આપ્યો હતો. ત્યારબાદથી જ એ વાત પર સિક્કો વાગી ગયો હતો કે અર્જુન અને મેહરના સંબંધો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. ગેબ્રેલા સાથે અર્જુન રામપાલની મુલાકાત 2009માં આઈપીએલની પાર્ટીમાં થઈ હતી. ત્યારથી થોડા જ મહિનાઓમાં બંને એકબીજાની નજીક આવવા લાગ્યા હતા.