ટ્રાફીક નિયમનો ભંગ કર્યો તો ગયા કામથી: ટૂ વ્હીલર બાદ તમામ ફોર વ્હીલર ગાડીઓ માટેનાં દંડમાં થયો આટલો વધારો

ગુજરાતમાં  ટ્રાફિકના નિયમોનુ ઉલ્લંઘન કરનાર વાહનચાલકને હવે મસમોટો દંડ ચૂકવવા તૈયારી રાખવી પડશે. રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગે સત્તાવાર રીતે પરિપત્ર જારી કરીને વિવિધ ટ્રાફિક સબંધી નિયમોનો ભંગ કરવા બદલ દંડમાં પાંચ ગણો વધારો કર્યો છે.ટ્રાન્સપોર્ટ વિભાગે ખાનગી વાહનોની સાથે સાથે સરકારી,માલવાહક વાહનોનેય દંડમાં આવરી લીધાં છે.

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન બદલ 10 હજાર સુધી દંડની જોગવાઇ કરવામાં આવી છે.કેન્દ્રના મોટર વ્હિકલ એક્ટના દંડમાં રાહત આપીને ગુજરાત સરકારે ટ્રાફિકના કાયદા અમલી બનાવ્યા છે.

ટ્રાન્સપોર્ટ વિભાગના પરિપત્ર મુજબ, હેલમેટ નહી પહેરનારાને 500 દંડ પેટે ચૂકવવા પડશે.હવે વાહનચાલક આડેધડ રીતે વાહન પાર્ક કરશે તો 500 દંડ લેવાશે.આ જ પ્રમાણે,લાયસન્સ,પીયુસી સહિતના દસ્તાવેજો ન હોય તો પ્રથમવાર 500 અને બીજી વાર  એક હજાર દંડ વસૂલાશે. પેસેન્જર વાહનોમાં ખાસ કરીને જીપોમાં મર્યાદિત સંખ્યા કરતાં વધુ મુસાફરો હશે તો, ડ્રાઇવીંગની સીટ પર ડ્રાઇવર ઉપરાંત અન્ય વ્યક્તિ બેઠો હોય તો, ડ્રાઇવર ધુ્રમપાન કરતો હશે તો 500 દંડ ફટકારાશે.સરકારી વાહનોનેય દંડના દાયરામાં આવરી લેવાયાં છે જેના કારણે બસ કંડકટર બસસ્ટોપ પર બસ ઉભી ન રાખે તો 500 દંડ લેવાશે.

કંડકટર ટિકીટ ન આપે તો,ટિકીટ કે પાસ ચેક ન કરે તો 500 દંડ થશે. મુસાફરો પણ ટિકીટ વિના મુસાફરી કરશે તો 500 દંડ લેવાશે. અગાઉ આ બધાય નિયમોના ભંગ બદલ 100ના દંડની જોગવાઇ હતી.લાયસન્સ વિના કાર-વાહન હંકારતા પકડાશે તો ટુ વ્હિલરને બે હજાર અને કાર સહિત અન્ય વાહનના ચાલકને ત્રણ હજાર દંડ ભરવો પડશે. આ નિયમો માટે અગાઉ એક હજાર દંડ હતો જેમાં બે હજારનો વધારો કરી દેવાયો છે. માલિક સિવાય અન્ય વ્યક્તિ વાહન હંકારતા ઝડપાશે તો, બે હજાર હજારનો દંડ લેવાશે. અગાઉ માત્ર 500 દંડ હતો. જો વાહન ચાલક ભયજનક રીતે આૃથવા રેસ સ્ટાઇલથી વાહન ચલાવે તો પાંચ હજારનો દંડ ફટકારાશે.

અકસ્માત વધતાં આ નિયમનો ભંગ કરનારાં વાહનચાલકને શિક્ષા આપવાના ભાગરૂપે દસ ગણો દંડ વધારી દેવાયો છે. એર પોલ્યુશનના નિયમોનુ ભંગ કરનારાં ટુ વ્હીલર ચાલકને એક હજાર જયારે કાર સહિત અન્ય વાહનધારકને ત્રણ હજાર દંડપેટે ભરવા પડશે. ઘોંઘાટ કરતાં વાહનોને ત્રણ હજાર સુધીનો દંડ ભરવો પડશે.જો એમ્બ્યુલન્સ,ફાયર બ્રિગેડને સાઇડ આપવામાં નહી આવે તો,વાહનચાલકને એક હજારનો દંડ ભરવો પડશે.શાંત વિસ્તાર ઝોવમાં હોર્ન મારવુ ય ભારે પડશે કેમકે,એક હજારના દંડની જોગવાઇ કરવામાં આવી છે.

વિમા પોલીસી વિના વાહન ચલાવનારાંને પ્રથમવાર બે હજાર અને બીજી વાર ચાર હજારનો દંડ ભરવો પડશે.અત્યાર સુધી વિમા વિના વાહન હાંકનારા પાસે એક હજાર સુધીનો દંડ વસૂલાતો હતો. રાજ્ય સરકારની એવી દલીલ છેકે, અકસ્માતનુ ભારણ ઘટાડવા, ટ્રાફિકના નિયમોનુ પાલન થાય તે માટે મસમોટો દંડની જોગવાઇ કરવામાં આવી છે. આ તરફ, દંડની રકમમાં પાંચ ગણો વધારો કરી દેવાતાં વાહનચાલકોમાં રોષ ભભૂક્યો છે.