આ કારણોસર શિવસેનાને CM પદ આપવા ભાજપ રાજી નથી, ઠાકરે સરકારની રચના આડે આ છે અડચણો

(સૈયદ શકીલ દ્વારા):- ગુજરાત વિધાનસભાની ચૂંટણીથી નવો શબ્દ મીડિયામાં પ્રચલિત થયો હતો અને એ શબ્દ હતો સોફ્ટ હિન્દુત્વ. હવે મહારાષ્ટ્રમાં નવો શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે અને તે છે સોફ્ટ સેક્યુલરીઝમ. બબ્બે કોંગ્રેસ સાથે નાતરું કરવા માટે શિવસેના તૈયાર છે પણ હકીકતમાં વર્ષો જૂની રાજકીય જોડી તૂટી ગઈ તો તે આમને આમ તો તૂટી નથી.

બે કોંગ્રેસ એટલે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ. બન્ને પાર્ટીઓ સેક્યુલરીઝમની દુહાઈ આપે છે. શિવસેના પક્ષે કટ્ટર હિન્દુવાદી વિચારધારા છે. આ ત્રિપુટીના સમીકરણો સરકારના ગઠન પહેલાં જ પ્રશ્નોમાં આવી ગયા છે. નફાતોટાનો હિસાબ થઈ રહ્યો છે. કોને કેટલો ફાયદો થાય અને કેટલું નુકશાન થાય તેની રાજકીય ગણતરીઓ મૂકવામાં આવી રહી છે.

પહેલો મુદ્દો એ છે કે શા માટે ભાજપે શિવસેનાને મુખ્યમંત્રી પદ આપવાનો ધરાર ઈન્કાર કર્યો છે. શા માટે ભાજપે સીએમ પદ નહીં આપ્યું? કારણો અને ગણતરીઓ અનેક છે. પ્રથમ તો શિવસેના કરતાં ભાજપે વધુ સીટો જીતી છે એ દેખીતું કારણ છે. શિવસેના 125 સીટ પર લડી હતી અને 56 સીટ જીતી. ભાજપ 165 સીટ પર ચૂંટણી લડ્યો હતો અને 105 સીટ જીતી. એટલે જીતનો રેશિયો શિવસેનાના પક્ષે સીટ શેરીંગના હિસાબે 30થી 35 ટકા થાય છે જ્યારે ભાજપનો રેશિયો 70થી 75 ટકા થાય છે. આ એક કારણ છે કે જે પક્ષે સૌથી વધુ સીટ જીતી હોય તેનો મુખ્યમંત્રી બને છે.

પણ શિવસેનાએ કહ્યું છે કે બાલ ઠાકરેના સમ ભાજપ સાથે 50-50 ટકા ફોર્મ્યુલાની સરકારની રચનાની રૂપરેખા નક્કી થઈ હતી. મામલો ગૂંચવાયો અને શિવસેનાએ ભાજપ સાથેનું જોડાણ આખરે તોડી નાંખ્યું. મુદ્દો એ છે કે શિવસેનાનો સીએમ આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી લઈ પંચાયતી ચૂંટણીઓ અને મહાનગર પાલિકાની ચૂંટણીઓમાં શિવસેના મજબૂત થઈ શકે છે. ભાજપને ભીડવવા માટે શિવસેના પાસે અપાર મુદ્દા છે અને તે પ્રમાણે મહારષ્ટ્રમાં ખેડુતોથી લઈ અનેક પ્રશ્નો પર ભાજપ કરતાં શિવસેના જો સવાયું કામ કરી બતાવે તો ભવિષ્યમાં ભાજપને રાજકીય નુકશાન સહન કરવાનો વારો આવી શકે એમ છે.

હવે વાત કરીએ કોંગ્રેસના નફા નુકશાનની. કોંગ્રેસે સોફ્ટ હિન્દુત્વની લાઈન ઓફ એક્શન લઈ લીધી છે. મહારાષ્ટ્રમાં જો કોંગ્રેસ શિવસેનાને ટેકો આપે તો કોંગ્રેસને ફાયદો જ થવાનો છે. કોંગ્રેસના કેટલાક નેતાઓ કહી રહ્યા છે કે કટ્ટરવાદી પાર્ટીને સપોર્ટ આપવાથી મુસ્લિમો અને પછાત વર્ગના મતદારો નારાજ થઈ જશે, હકીકત પર નજર કરીએ તો યુપી, બિહારમાં પાછલા 30 વર્ષથી કોંગ્રેસને મુસ્લિમો અને પછાત વર્ગના મતદારો જાકારો આપી રહ્યા છે.તેલંગાણા અને આંધ્રમાં પણ કોંગ્રેસના વળતા પાણી છે. તામિલાનાડુમાં પણ કોંગ્રેસની સ્થિતિ કથળી રહી છે. શિવસેનાને સપોર્ટ આપવાથી કોંગ્રેસના માથે મુસ્લિમ પરસ્ત પાર્ટી હોવાની ઈમેજમાં સુધારો થઈ શકે છે. હિન્દુ મતદારોમાં સ્ટ્રોન્ગ મેસેજ જશે કે કોંગ્રેસ હિન્દુ વિચારધારા ધરાવતી પાર્ટીને પણ સરકાર બનાવવામાં મદદ કરે છે અને કોંગ્રેસથી સાવ જ દુર થઈ ગયેલા હિન્દુ મતદારોમાં કોંગ્રેસ માટે નવેસરથી વિચારણા થઈ શકે છે. કોંગ્રેસે ગુમાવવાનું કશું નથી. આમ પણ રાજનીતિમાં હવે વિચારધારા જેવું કશું દેખાતું નથી. દાખલા આપવાના હોય તો જમ્મૂ-કાશ્મીર અને બિહાર છે. ભાજપે કાશ્મીરમાં કટ્ટર મુસ્લિમ પાર્ટી સાથે સરકાર બનાવી હતી અને બિહારમાં સેક્યુલર પાર્ટીની સાથે સરકાર બનાવી છે. એટલે હવે કોંગ્રેસે સેક્યુલરીઝમના નામના ચોસલામાંથી બહાર આવી જવાની જરૂર છે અને દેશમાં સર્વાઈવલ પેકેજ પર આવી જવાની જરૂર છે.

બીજી તરફ શિવસેનાએ સોફ્ટ સેક્યુલરીઝમની શરૂઆત કરી છે. સેનાએ મુસ્લિમ નેતાને ટીકીટ આપી અને પોતાની જૂની ઈમેજને મેક ઓવર કરવાનો પ્રારંભ કર્યો છે. સેના માટે મહારાષ્ટ્રના ગૌરવનો મુદ્દો અગ્રીમ છે અને રાખવો જ પડશે. આમચી મહારાષ્ટ્રની ઓળખમાં સેનાનું બહુ મોટું યોગદાન છે. ઈન્દીરા ગાંધી પણ બાલ ઠાકરેની પ્રતિભાથી અંજાઈ ગયા હતા, તે પણ એક ઈતિહાસ છે.