એક સમયે બાલ ઠાકરેએ મુસ્લિમ લીગનો પણ ટેકો લીધો હતો, કોંગ્રેસના આશિર્વાદ, શરદ પવાર સાથેનાં સંબંધો, જાણો વધુ

(સૈયદ શકીલ દ્વારા):- 24 ઓક્ટોબર 2019ના દિવસે એવું લાગતું હતું કે ભાજપ શિવસેના ત્રીજી વાર સરકાર બનાવશે. પણ બાલ ઠાકરે-અડવાણી સાથે શરૂ થયેલી મિત્રતા ઉદ્વવ ઠાકરે-દેવેન્દ્ર ફડણવીસના રાજમાં સમાપ્ત થઈ અને મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનનું ધી એન્ડ થયું. શિવસેનાના ઈતિહાસ પર નજર નાંખીએ તો શિવસેનાએ ટેકો હાંસલ કરવામાં કોઈ છોછ રાખ્યો નથી. 1999માં બાલ ઠાકરેએ કહ્યું હતું કે શિવસેનાને પદની ચિંતા નથી. 1995માં પણ તેમણે આ જ વાત કરી હતી, પણ ઉદ્વવ ઠાકરે સુધી પહોંચતા-પહોંચતા વાત બદલાઈ અને કહ્યું કે શિવસેનાને મુખ્યમંત્રી પદ જોઈએ છે તે પણ મહારાષ્ટ્રના વિકાસ માટે….

શિવસેનાના જન્મની વાત કરીએ તો 19 જૂન 1966માં શિવસેનાનો જન્મ થયો. મરાઠી અધિકારોને લઈ શિવસેનાએ આંદોલનો શરૂ કર્યા. શિવસેનાને કોંગ્રેસના પૂરેપૂરા આશિર્વાદ હતા. મુંબઈમાં ડાબેરીઓને કાબૂમાં લેવા માટે શિવસેનાને કોંગ્રેસે ભરપૂર ટેકો આપ્યો હતો. શિવસેનાએ ત્યારે મધુ દંડવતેની પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી સાથે જાડોણ હતું. પણ ત્યાર બાદ શિવસેનાએ ડાબેરીઓના વિરોધના બદલે સાઉથ ઈન્ડીયનોનો વિરોધ શરૂ કર્યો. આમચી મુંબઈ આંદોલન શરૂ થયું. પૂંગી ભગાવો, મુંબઈ બચાવોનું આંદોલન થયું. આ સમય દરમિયાન કોંગ્રેસમાં ભાગલા થયા અને કોંગ્રેસ (આઈ) અને કોંગ્રેસ(ઓ) બની. બાલ ઠાકરેએ કોંગ્રેસ(ઓ)ને સમર્થન આપ્યું. એ.કામદાર અને મોરારજી દેસાઈની કોંગ્રેસ(ઓ) સાથે સેના જોડાઈ અને 1971માં કોંગ્રેસ(ઓ)ના સિમ્બોલ સાથે પાંચ સીટ પર ચૂંટણી લડી અને હારી ગઈ. આ પાંચ સીટોમાં રત્નાગીરી, મુંબઈ સેન્ટ્રલ, મુંબઈ સાઉથ, ધૂળે, પૂણેનો સમાવેશ થાય છે. ત્રણ સીટ પર ડિપોઝીટ ડૂલ થઈ. ત્યાર બાદ 1972 વિધાનસભાની ચૂંટણી આવી અને આરએસ ગવઈની રિપબ્લીકન પાર્ટી સાથે જોડાણ કર્યું. હાલ રામદાસ અઠાવલે તેના પ્રમુખ છે અને કેન્દ્રની ભાજપ સરકારમાં મંત્રી પણ છે. સેનાએ 26 સીટ પર ચૂંટણી લડી હતી. એક સીટ જીતી હતી. પ્રમોદ નવલકર શિવસેનાનાં પ્રથમ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

1975માં ઈમરજન્સીમાં બાલ ઠાકરેએ ઈન્દીરા ગાંધીનું સમર્થન કર્યું. તેમનું માનવું હતું કે દેશને એક તાનાશાહની જરૂર છે. 1978માં ઈન્દીરા ગાંધીની ધરપકડ થઈ તો બાલ ઠાકરેએ તેમના સમર્થનમાં મુંબઈમાં ધરણા અને પ્રદર્શનો કર્યા હતા. સેનાનો મજાક ઉડાવાતો થયો. કારણ કે તે વખતે મહારાષ્ટ્રના સીએમ વસંત રાવ નાઈક હતા અને આરોપ હતો કે વસંતરાવના ઈશારે બાલ ઠાકરે કામ કરી રહ્યા છે. એટલે શિવસેનાની વસંત સેના તરીકે પણ મજાક કરવામાં આવી.

ઈમરજન્સી બાદ આવેલી ચૂંટણીમાં ઠાકરેએ જનતા પાર્ટી સાથે ગઠબંધન કરવાની કોશીશ કરી હતી પણ ઈન્દીરા ગાંધીને સમર્થન આપ્યું હોવાથી ગઠબંધન થયું ન હતું. સેનાએ 35 ઉમેદવાર ઉભા રાખ્યા અને એક પણ સીટ જીતી નહીં. બીએમસીમાં પણ 44 સીટ ઘટીને 21 થઈ ગઈ હતી. 1978માં ફરી એક વાર બીએમસીમાં મેયરની ચૂંટણી આવી અને શિવસેનાને ટેકો જોઈતો હતો ત્યારે મુંબઈના મસ્તાન તાલાબ મેદાન ખાતે બાલ ઠાકરે અને મુસ્લિમ લીગના ગુલામ મહોમ્મદ બનાતવાલાની જાહેર સભા થઈ હતી. બનાવાલાએ શિવસેનાને સપોર્ટ આપ્યો હતો. અને સેનાનો મેયર બન્યો હતો. આ જાહેર સભાએ હિન્દુ-મુસ્લિમ તનાવમાં પણ ઘટાડો કર્યો હતો.

કોંગ્રેસ સાથે ચાલવાનું 1982માં ઈન્દીરા ગાંધીની હત્યાથી સમાપ્ત કરવામાં આવ્યું હતું. બાલ ઠાકરેએ ત્યાર બાદ હિન્દુ મહાસભા સંઘની તરફેણ કરી હતી. સેનાએ 1985માં ભાજપ સાથે હાથ મેળવ્યા અને તે 2019 સુધી ચાલ્યું. 2019માં ભાજપ-સેનાનું ગઠબંઘન પડી ભાંગ્યું.

એનસીપી ચીફ શરદ પવાર સાથે ઠાકરે ફેમિલીના સંબંધો રાજકીય પરિમાણ કરતાં પણ વિશેષ છે. સુપ્રી શૂળેએ રાજ્યસભામાં  પહેલીવાર ઉમેદવારી કરી તો બાલ ઠાકરેએ કહ્યું હતું કે ઘરની દિકરીને સમર્થન ન કરીએ તો નગુમા કહેવાઈએ. પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિ બન્યા તો શરદ પવાર તેમને માતોશ્રી લઈ આવ્યા હતા. બાલ ઠાકરે અને શરદ પવારના સંબંધો સદાય યાદગાર રહ્યા છે. હવે શરદ પવાર પાસે બોલ છે કે ઠાકરે ફેમિલીમાંથી પહેલા મુખ્યમંત્રી કેવી રીતે બનાવવા.