ચોંકાવનારો રિપોર્ટ: ગુજરાતની જેલમાં 18-30 વર્ષના યુવા કેદી સૌથી વધારે

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના એક રિપોર્ટ મુજબ, ગુજરાતની જેલમાં અભણ કરતા શિક્ષિત કેદીઓની સંખ્યા વધુ છે. ગ્રેજ્યુએટ, ડિગ્રીધારી, પોસ્ટ ગ્રેજ્યુએટ અને શિક્ષિત કેદીઓની સંખ્યા 3217 છે. એનસીઆરબીના આ રિપોર્ટ અને તારણોને લઇ ભારે ચકચાર મચી ગઇ છે.

એનસીઆરબીના રિપોર્ટના મહત્વના તારણો મુજબ, ગુજરાતની કુલ 28 જેલમાં 1842 આરોપી એવા છે જેમની ઉંમર 18થી 30 વર્ષની છે. આ ઉપરાંત 30થી 50 વર્ષના 1836 કેદી છે. જ્યારે 865 કેદી એવા છે જેમની ઉંમર 50 વર્ષથી વધુ છે. આમ ગુજરાતની જેલમાં 42.8 ટકા કેદી યુવા છે. ગુજરાતની જેલમાં 3217 કેદીઓ શિક્ષિત છે. જ્યારે 1082 કેદી અભણ છે. ધોરણ 10થી ઓછું ભણેલા  2159 કેદી છે. ગ્રેજ્યુએશનથી ઓછું ભણ્યા હોય તેવા 685 કેદી છે.

આ ઉપરાંત 254 કેદી ગ્રેજ્યુએટ છે. તો 20 કેદીઓ એવા છે જેમની પાસે ટેક્નિકલ ડીગ્રી અને ડિપ્લોમાં ડિગ્રી ધરાવે છે અને 99 કેદી એવા છે જે પોસ્ટ ગ્રેજ્યુએટ છે. ગુજરાતની જેલમાં કેપેસીટી કરતા કેદીઓ વધુ છે. સેન્ટ્રલ જેલમાં 7740 કેદીની કેપેસીટી સામે 7989કેદી છે. આ સિવાય જિલ્લા જેલમાં 3437 કેદીઓની કેપેસીટી છે જેમાં 2992 કેદી છે. સબજેલમાં 1168ની કેપેસીટી સામે 1433 કેદી જેલમાં સજા ભોગવી રહ્યાં છે. તો સબજેલમાં કેદીની સંખ્યા 122 ટકા થઈ છે. આમ, રાજયની સેન્ટ્રલ જેલ અને સબજેલમાં કેદીઓને રાખવાની ક્ષમતા કરતાં કેદીઓની સંખ્યા વધુ હોવાની વાત સામે આવી છે.