સુરતની મસ્કતી હોસ્પિટલનો હવસખોર મુકાદમ અશોક વાળંદ પાંજરે પુરાયો, આવી રીતે કરતો હતો મહિલા કર્મચારીઓને બ્લેકમેઈલ

સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત મસ્કતી હોસ્પિટલમાં કર્મચારી દ્વારા મહિલાઓના જાતીય શોષણની ફરીયાદમાં પોલીસે આજે હવસખોરની ધરપકડ કરી હતી અને જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરત મહાનગરપાલિકામાં મુકાદમ તરીકે ફરજ બજાવતો અશોક વાળંદ વિરુદ્વ બે મહિલા કર્મચારીઓએ ઉચ્ચ અધિકારીઓને અશોક મુકાદમ દ્વારા થઈ રહેલી જાતીય પજવણી અંગે ફરીયાદ કરી હતી. છેક 2009થી અશોક વિરુદ્વ મહિલાઓ ઉચ્ચ અધિકારીઓને ફરીયાદ કરતી આવી છે પરંતુ મહિલાઓની ફરીયાદ કાને ધરવામાં આવી ન હતી.

ગઈકાલે કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયા મહિલાઓની વહારે આવ્યા હતા અને તેમણે અશોક વાળંદના કરતુતોનો પર્દાફાશ કર્યો હતો. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને મસ્કતી હોસ્પિટલમાં અશોક વાળંદ અંગેની ફરીયાદોના તથ્યો તપાસ્યા હતા.

એસએમસીના અધિકારીઓને રજૂઆત કરતા દિનેશ કાછડીયા

પીડિત મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે અશો વાળંદ હોસ્પિટલના ટોપ ફ્લોર પર મહિલા કર્મચારીઓને બોલાવી તેની સાથે શારીરિક અડપલા અને જાતીય પજવણી કરતો હતો. મહિલાઓને બોલાવી નોકરી પરથી કાઢી મૂકવાની ધમકી આપતો હતો અને મહિલાઓ વશમાં ન થાય તો તેમની હેરાનગતિ કરતો હતો. હાલ બે મહિલાઓએ અશોક વાળંદ વિરુદ્વ ફરીયાદ કરી છે અને એવું ચર્ચાય છે કે અન્ય કેટલીક મહિલાઓને પણ અશોક વાળંદે જાતીય પજવણીનો શિકાર બનાવી હતી. પરંતુ અન્ય મહિલાઓ ઈજ્જત જવાના ડરે પોલીસ ફરીયાદથી દુર રહી છે.

દિનેશ કાછડીયાએ જણાવ્યું કે અશોક વાળંદના કરતૂતો અંગે તપાસ થવી જોઈએ અને મહિલાઓને ન્યાય મળવો જોઈએ. જે પ્રકારે મહિલા કર્મચારીઓની ફરીયાદ પર વખતો વખત પાણી ફેરવી દઈ ભીનું સંકેલી દેવાના પ્રયાસ કરવામાં આવે છે તેને લઈ મહિલાઓને ન્યાય મળે તે માટે બનતા પ્રયાસો કરવામાં આવશે અને કસૂરવારની સામે આકરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.