નાગરિકોને પાસપોર્ટ મેળવવા પોલીસ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. પોલીસકર્મીઓએ તેમના ઘરે જઈ અને મોબાઈલ પોકેટકોપ મારફતે એપ્લિકેશન દ્વારા વેરિફિકેશન કરવાનું હોય છે પરંતુ તેમછતાં પોલીસકર્મીઓ કામચોરી કરી અરજદારના ઘરે જવાની જગ્યાએ વેરીફિકેશન માટે અરજદારને પોલીસ સ્ટેશનમાં બોલાવતાં હોવાની વાત સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના ધ્યાન પર આવતાં અમદાવાદ જિલ્લા પોલીસ વડા અને અમદાવાદ પોલીસ કમિશનરે ગંભીર નોંધ લઇ મહત્વના આદેશ જારી કર્યા છે.
નવા આદેશ મુજબ, હવેથી પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારોને પોલીસ સ્ટેશન બોલાવવાના રહેશે નહી અને પોલીસે તેમના ઘેર જઇ મોબાઇલ પોકેટકોપ એપ્લિકેસનની મદદથી વેરિફિકેશન કરવાનું રહેશે. અમદાવાદ શહેર અને જિલ્લાના પોલીસ મથકોને આ નવા આદેશની કડક તાકીદ કરી દેવામાં આવી છે.
જિલ્લા પોલીસવડાએ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા અરજદારોના ઘેર જઇ વેરિફિકેશન કરવાના બદલે તેઓને પોલીસ સ્ટેશનમાં બોલાવવાની વાતની ગંભીર નોંધ લઈ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની જગ્યાએ હવેથી ફરજિયાતપણે તેમના ઘરે જઇ વેરિફિકેશન કરવા જણાવ્યું છે. સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો(એસસીઆરબી) ગાંધીનગર દ્વારા મોબાઈલ એપ્લિકેશનનું મોનિટરિંગ કરતા પાસપોર્ટ વેરિફિકેશનની કામ કરતા પોલીસકર્મીઓ નાગરિકોને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવતા હોવાની બાબત ધ્યાને આવી હતી. જેને લઈ જિલ્લા પોલીસવડાએ તેની ગંભીરતાથી નોંધ લઈ નાગરિકોને પોલીસ સ્ટેશનમાં ન બોલાવવા જણાવ્યું છે.
અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ આ બાબતે પરિપત્ર કરી તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને જાણ કરી છે કે વેરિફિકેશન કરતા અધિકારીઓને આ બાબતે સૂચના આપી તે મુજબ કાર્યવાહી કરવા જણાવ્યું છે અને તેનું કડકાઇથી પાલન કરવા સ્પષ્ટ તાકીદ કરી છે.