કાલથી સંસદનું શિયાળું સત્ર: વિપક્ષો સરકારને ઘેરશે તો સરકાર પણ જવાબ આપવા તૈયાર

સંસદનું શિયાળું સત્ર શરૂ થઈ રહ્યું છે. સરકાર મહત્ત્વના બિલો લાવશે, જ્યારે વિપક્ષો વિવિધ મુદ્દે સરકારને ઘેરશે, તેથી આ સત્ર હંગામેદાર રહેવાની શક્યતા છે, તેથી મોદી સરકારની કસોટી થશે.

સોમવારથી સંસદનું શિયળું સત્ર ચાલું થઈ રહ્યું છે. આ સત્રમાં સરકારનું જોર નાગરિક્તા સહિત કેટલાક મહત્ત્વપૂર્ણ બિલો પાસ કરાવવાનું રહેશે, જ્યારે વિપક્ષો રાફેલ સોદાની તપાસ માટે જેપીસીની રચના અને મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરવા સરકાર પર દબાણ ઊભું કરશે.

લોકસભાના કામકાજને સુચારૃ બનાવવા માટે સ્પીકર ઓમ બિરલાએ આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે, જ્યારે સંસદીય બાબતોના પ્રધાન પ્રહ્લાદ જોષીએ રવિવારે સર્વપક્ષિય બેઠક બોલાવી છે. શિયાળું સત્ર ૧૩ ડિસેમ્બર સુધી ચાલશે.

સૂત્રોએ જણાવ્યું કે સરકારે સત્ર માટે પોતાની કાર્યસૂચિમાં નાગરિક્તા (સુધારા) ખરડાને મૂક્યો છે. મોદી સરકારે પોતાના પહેલા કાર્યકાળમાં આ બિલને સંસદમાં રજૂ કર્યો હતો, પણ વિપક્ષના વિરોધના કારણે પ્રસાર નહોતો થઈ શક્યો. લોકસભાનો કાર્યકાળ પૂરો થતાં આ બિલ પણ આપોઆપ સમાપ્ત થયું હતું. આ ખરડામાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અફઘાનિસ્તાનથી ધાર્મિક ઉત્પીડનના કારણે ભાગીને ૩૧ ડિસેમ્બર ર૦૧૪ સુધીમાં ભારતમાં આવેલા હિન્દુ, જૈન, શિખ, ઈસાઈ અને પારસી સમાજના લોકોને નાગરિક્તા આપવાની જોગવાઈ છે. પાછલી સરકારે જ્યારે આ બિલ રજૂ કર્યું હતું, ત્યારે આસામ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં તેનો ભારે વિરોધ થયો હતો. આ ઉપરાંત દિલ્હીમાં ૧૭ર૮ ગેરકાયદેસર કોલોનીઓને રેગ્યુલરાઈઝ કરવા બાબતનો ખરડો, ડ્યુટી દરમિયાન ડોક્ટરો પર હુમલો કરનારાઓને દંડ, કોર્પોરેટ ટેક્સ દરોમાં ઘટાડો અને ઈ-સીગારેટ પર પ્રતિબંધ અંગેના બે વટહૂકમોને કાયદામાં ફેરવવા અંગેના બિલ પણ સદનમાં રજૂ થઈ શકે છે.