શિવસેનાનું મેક ઓવર: બાલ ઠાકરેની પૂણ્યતિથિ, અજમેરથી આવી ચાદર, કોંગ્રેસ-NCPના નેતાઓની હાજરી

રવિવારે એટલે કે આજે શિવસેનાના સ્થાપક બાલ ઠાકરેની સાતમી પુણ્યતિથિ છે . આ પ્રસંગે હજારો શિવ સૈનિકો મુંબઇના શિવાજી પાર્કમાં તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. મહારાષ્ટ્રમાં શિવસેનાના મુખ્યમંત્રી બનવાના સ્વપ્નને લઈને શિવસૈનિકો ખૂબ ઉત્સાહિત છે. આ વખતે કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ પણ બાલા સાહેબને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા છે.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, તેમના પુત્ર આદિત્ય ઠાકરેએ શિવાજી પાર્કમાં બાલા સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી. બાલાસાહેબને શ્રદ્ધાંજલિ આપવા મુસ્લિમ સમાજના લોકો પણ આવી રહ્યા છે. મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો અજમેર શરીફ મજારથી ચાદર લાવ્યા છે. બાલાસાહેબના આ સ્મારક સ્થળ ઉપર મુસ્લિમ સમાજના લોકોએ પ્રભાવક હાજરી આપી હતી.

શિવસેનાના નેતા સંજય રાઉતે પણ બાલાસાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી. સંજય રાઉતે કહ્યું કે બાલાસાહેબે દેશને હિન્દુત્વનો સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે બાલા સાહેબને જે વચન આપવામાં આવ્યું છે તે ટૂંક સમયમાં પૂર્ણ થશે અને આ માટે શિવસૈનિકો કશું પણ કરવા તૈયાર છે અને ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં શિવસેના સીએમ બનશે. એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબલ પણ શિવાજી પાર્કમાં પહોંચ્યા હતા અને બાલા સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે બાલા સાહેબ સાથે તેમની ઘણી યાદો જોડાયેલી છે.

છગન ભુજબલે કહ્યું કે તેઓ 25 વર્ષથી બાલા સાહેબની સાથે છે. તેમણે કહ્યું કે તેઓ શિવસેનાના ઘણા સંઘર્ષોમાં સામેલ થયા છે. છગન ભુજબલે કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે બંને પક્ષો વચ્ચેનો સંવાદ ટૂંક સમયમાં પૂર્ણ થાય અને બાલા સાહેબને આપેલું વચન પૂરું થાય. સીએમ પદ પર તેમણે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે બંને પક્ષો જલ્દીથી સફળ થશે.

બાલા સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે ભાજપના નેતા પંકજા મુંડે પણ આવ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ ભાજપના સેંકડો કાર્યકરો અને શિવ સૈનિકો સાથે બાલા સાહેબને શ્રદ્ધાંજલિ આપે છે. પંકજા મુંડેએ કહ્યું હતું કે તેઓ આજે બાલા સાહેબના માર્ગર્શનની ખોટ વર્તાઈ રહી છે. કોંગ્રેસના નેતા ભાઈ જગતાપે પણ બાલા સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી.