અયોધ્યા કેસ: ચૂકાદામાં સામેલ જસ્ટીસ અબ્દુલ નઝીરની જાનને ખતરો, Z-સિક્યોરીટીનું કવચ મળ્યું

અયોધ્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો આપનાર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચના ભાગ રહેલા જસ્ટીસ અબ્દુલ નઝીર અને તેના પરિવારના સભ્યોને ‘ઝેડ’ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ નિર્ણય ઉગ્રવાદી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા જસ્ટીસ નઝીરના જીવને જોખમ હોવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને લીધો છે. જસ્ટીસ નઝીર અને તેના પરિવારની સુરક્ષા મજબૂત કરવા ગૃહ મંત્રાલય દ્વારા સીઆરપીએફ અને સ્થાનિક પોલીસને આદેશ આપવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુપ્તચર એજન્સીઓને કેરળમાં સક્રીય પીએફઆઈ અને કેટલાક અન્ય કટ્ટરપંથી સંગઠનો તરફથી ધમકીના ઇનપુટ મળ્યા છે. જસ્ટીસ અબ્દુલ નઝીર અને તેમનો પરિવાર કર્ણાટકનો વતની છે અને તેમના ગૃહ રાજ્ય સહિત દેશભરમાં ઝેડ સિક્યોરિટી કવચ પ્રદાન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આદેશ અનુસાર, કર્ણાટકની સરકાર જસ્ટીસ નઝીર અને તેમના પરિવારને બેંગ્લુરુ, મેંગલુરૂ અને રાજ્યના અન્ય ભાગોમાં સુરક્ષા પૂરી પાડશે. તમને જણાવી દઈએ કે ઝેડ સિક્યોરિટી હેઠળ મળી આવેલી સુરક્ષા ટુકડીમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ના 22 જવાનોનો સમાવેશ થાય છે. 9 નવેમ્બરના રોજ, સુપ્રીમ કોર્ટે, દાયકાઓ જૂના અયોધ્યા કેસ અંગેનો ઐતિહાસિક ચુકાદો આપતા, રામ મંદિરના નિર્માણ માટે 2.77 એકર વિવાદિત જમીન આપવાનો આદેશ આપ્યો હતો.