અયોધ્યા ચૂકાદાને પડકારશે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ

ઓલ ઈન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ((AIMPLB) એ અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને પડકારવાનો નિર્ણય કર્યો છે. આ માહિતી આપતાં બોર્ડના મેમ્બર સૈયદ કાસીમ રસુલ ઇલ્યાસે કહ્યું કે બોર્ડે સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે રિવ્યુ પીટીશન દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. લખનૌમાં યોજાયેલી બોર્ડ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડે કહ્યું હતું કે એક મહિનામાં સમીક્ષા અરજી દાખલ કરવામાં આવશે. વળી, બોર્ડે અયોધ્યામાં પાંચ એકર જમીન લેવાનો પણ ઇનકાર કરી દીધો હતો, જેને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો.

મુસ્લિમ પક્ષકારોએ અયોધ્યા કેસ મામલે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા સામે અપીલ દાખલ કરવાની ઇચ્છા અંગે શનિવારે કહ્યું હતું કે બાબરી મસ્જિદની જગ્યાએ મુસ્લિમોએ કોઈ જમીન લેવી જોઈએ નહીં. આ પક્ષકારોએ આ ઈચ્છા નદવામાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના જનરલ સેક્રેટરી મૌલાના વાલી રહેમાની સાથેની મુલાકાત દરમિયાન કરી હતી.

બોર્ડના સેક્રેટરી ઝફરયાબ જીલાનીએ કહ્યું હતું કે રવિવારે નદવામાં બોર્ડની વર્કિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક પૂર્વે મૌલાના રહેમાનીએ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસ સંબંધિત વિવિધ મુસ્લિમ પક્ષોને બોલાવ્યા હતા.

તેમણે કહ્યું કે આ કેસ મામલે બેઠક દરમિયાન  પક્ષકાર મોહમ્મદ ઉંમર અને મૌલાના મહફુઝુર રહેમાન તેમજ અન્ય પક્ષો હાજી મહબૂબ, હાજી અસદ અને હસબુલ્લાહ ઉર્ફે બાદશાહે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય સમજી શકાય તેવો નથી, તેથી તેની સામે અપીલ કરવી જોઈએ આ સિવાય અન્ય પક્ષકાર મિસબાહુદ્દીને પણ ફોન પર વાત કરીને આ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરના રોજ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં ચુકાદો આપતાં વિવાદિત સ્થળે રામ મંદિર બનાવવાની અને મસ્જિદના નિર્માણ માટે મુસ્લિમોને અયોધ્યાના મહત્વના સ્થળે પાંચ એકર જમીન આપવાનો આદેશ આપ્યો હતો. મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સેક્રેટરી જીલાનીએ ચૂકાદામાં અનેક વિરોધાભાસ બતાવી કહ્યું હતું કે ચૂકાદાથી સંતોષ નથી.