મોસમનો ડબલ મિજાજ: ગુજરાતમાં વરસાદી વાતાવરણ વચ્ચે ગુલાબી ઠંડી

ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી છે, છતાં હજુ પણ ગુજરાતમાં માવઠા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે. પહેલા ગુજરાતમાં વાવાઝોડાની અસરને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જેને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો અને હાલ અરબી સમુદ્રમાં સાયક્લોનિકલ સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે શિયાળાએ દસ્તક દીધી છે. રાજ્યમાં ગુલાબી ઠંડીની શરૂઆત’ થઇ ચૂકી છે.

રાજ્યમાં આજે વહેલી સવારથી જ સૂસવાટા સાથે પવન ફૂંકાવાની શરૂઆત થઇ હતી.’ જેના કારણે વહેલી સવારે શહેરીજનોને ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં રાજ્યના હવામાન પર અસર થતી જોવા મળી રહી છે. આ સાથે જ રાજ્યમાં થોડા દિવસ બેવડી ઋતુઓનો અહેસાસ થવાની શક્યતા વર્તાઇ રહી છે. સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં શિયાળાની શરૂઆત થતી હોય છે પરંતુ ચાલુ વર્ષે કમોસમી વરસાદ પડતા શિયાળાની શરૂઆત થોડી મોડી થઇ છે. ત્યારે હવે રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 20મી નવેમ્બરથી શિયાળો સંપૂર્ણપણે બેસી જશે. રાજ્યભરમાં લઘુત્તમ તાપમાન પણ હવે ઓછું થઇ રહ્યું છે, જે શિયાળાના સંકેત છે. હાલ આગામી 48 કલાક સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે કચ્છ, દેવભૂમિ દ્વારકા તેમજ જૂનાગઢ, બનાસકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે સામાન્ય જનતાની સાથે ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે.

સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ સાથે વાતાવરણમાં એકાએક પલટો આવતા કપાસ અને મગફળીના પાકને નુકશાન પહોંચ્યું છે. મોરબીમાં વરસાદ પડતા યાર્ડમાં આઠ હજારથી વધુ મણ કપાસ પલળી ગયો હતો. ધોરાજી પંથકમાં પણ મગફળી અને કપાસના પાકને નુકશાન પહોચ્યું છે. પડધરી તાલુકામાં પવન સાથે વરસાદ પડતાની સાથે ખેતરમાં રહેલા કપાસના પાકને ભારે નુકશાન થયું છે જ્યારે કચ્છના લખપતના દયાપર અને માતાના મઢમાં કરા સાથે વરસાદ પડયો હતો.

લખપત તાલુકાના કોટડામઢ ગામ નજીક’ ખેતરમાં કામ કરતા યુવક પર વિજળી પડવાના કારણે યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે બનાસકાંઠાના પાલનપુર, દાંતીવાડા, વડગામ, થરાદમાં ભારે વપવન ફૂંકાવાની સાથે વરસાદ પડયો હતો. માવઠાને કારણે એરંડા, કપાસ અને બટાટાના પાકોનો સોથ વળી ગયો હતો, જેથી ખેડૂતો કફોડી હાલમાં મુકાયા છે.