મહારાષ્ટ્રમાં શિવસેનાનું સપનું વહેલું પુરું નહીં થાય, શરદ પવારે આપ્યું આવું નિવેદન

મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સરકાર રચવાની સંમતી થઈ છે, પરંતુ તા. ૧૭ મી નવેમ્બરે શપથવિધિની સંભાવના હતી, પરંતુ શરદ પવારે સરકાર રચવામાં મોડું થશે તેવું નિવેદન કરતા હવે શિવસેનાની ઈચ્છા મુજબ શપથવિધિ થાય તેવી સંભાવના જણાતી નથી.

આજે બપોરે ત્રણેય પક્ષના નેતાઓ રાજ્યપાલને મળવા જવાના અહેવાલો વચ્ચે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના શિવસેનાના પ્રયત્નો સફળ થતા તો જોવા મળી રહ્યા છે અને સરકાર બનાવવાની સ્થિતિમાં તેનો મુખ્યમંત્રી પણ બનશે તેવું લાગી રહ્યું છે, તેમ છતાં શિવસેનાની ઈચ્છા અધુરી રહેશે. શિવસેના ઈચ્છતી હતી કે ૧૭ નવેમ્બરના રાજ્યમાં સરકારની રચના થઈ જાય. આવું એ માટે કારણ કે શિવસેના સંસ્થાપક બાલા સાહેબ ઠાકરેની પુણ્યતિથિ છે. આ કારણે આ દિવસ શિવસૈનિકો માટે ઘણો મહત્ત્વનો છે.

શિવસૈનિકોની આ ઈચ્છાને એનસીપી પ્રમુખ શરદ પવારના નિવેદનથી ઝાટકો લાગ્યો છે. શરદ પવારે કહ્યું છે કે, સરકાર બનાવવામાં હજુ સમય લાગશે. શરદ પવારે એક અનૌપચારિક વાતચીતમાં કહ્યું છે કે, ‘મહારાષ્ટ્રમાં સરકાર ગઠનમાં હજુ મોડું થશે.’ શરદ પવાર શુક્રવારના નાગપુરમાં હતાં. અહીં કોંગ્રેસ ધારાસભ્ય નીતિન રાઉતના ઘરે તમેણે આ વાતો કરી હતી.

ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્રમાં શિવસેના સતત કહેતી આવી રહી છે કે બાલા સાહેબનું સપનું હતું કે એક દિવસ એક શિવસૈનિક મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી બનશે. ઉદ્ધવ ઠાકરે કહી ચૂક્યા છે કે, તેમણે બાલા સાહેબને વાયદો કર્યો છે કે એક દીવ્સ શિવસેનાનો સીએમ બનશે. આ વચનને આગળ ધરીને શિવસેના બીજેપી પર દબાણ બનાવી રહી હતી, જો કે બીજેપીની સાથે તેની ડીલ અસફળ રહી, ત્યારે શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી તરફ પ્રયાણ કર્યું.

મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સરકાર બનાવવા માટે ત્રણેય દળોની વચ્ચે ઘણીવાર પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ વાત થઈ ચૂકી છે, પરંતુ રાજનીતિના આ ત્રણ સંભવિત દોસ્તોનો આધાર એટલો વિરોધાભાસથી ભરેલો છે કે એક મુદ્દાનો ઉકેલ લાવતા જ બીજો ઊભો થઈ જાય છે. ત્રણેય દોસ્તોની વચ્ચે એકબીજા પર અવિશ્વાસ કરવા માટેના અનેક કારણો છે તો એકબીજાની વચ્ચે કડવી નિવેદનબાજીનો ઈતિહાસ પણ છે. આ કારણથી ઘણાં રાઉન્ડની વાતચીત છતાં સરકાર ગઠનનો મામલો ડેડ એન્ડમાં ફસાયેલો છે. આ દરમિયાન શરદ પવાર રવિવારના એકવાર ફરીથી સોનિયા ગાંધીની મુલાકાત કરવાના છે. આ મુલાકાતમાં એકવાર ફરીથી સરકાર ઘટનની ડીલની શરતો પર મંથન થશે.