જામનગરમાં ખેડુતોએ પાકને સરાજાહેર સળગાવી દીધો, સરકારની આ નીતિનો કર્યો વિરોધ

ગુજરાતભરમા વરસેલા માવઠાએ ખેડુતોની દશા કફોડી કરી નાંખી છે. જામનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત બગડી જવા પામી છે. જ્યારે આજે આમરા પાસે દસ ગામના ખેડૂતોએ કપાસ, મગફળીના પાકને જાહેરમાં સળગાવ્યો હતો અને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

તાજેતરમાં કમોસમી વરસાદ થતાં જામનગર જિલ્લામાં ખેડૂતોના પાક જેવા કે તલ, કપાસ, મગફળીને વ્યાપક પ્રમાણમાં નુક્સાન થયું હતું, જેથી ખેડૂતો સરકાર તાકીદે સહાય આપે તેવી માંગણી કરી રહ્યા છે. આ માટે સરકાર તરફથી ઢીલી નીતિ અપનાવાઈ રહી છે.

સરકારની ઢીલી નીતિનો વિરોધ કરવા આજે જામનગર તાલુકાના આમરા ગામ પાસે આજુબાજુના દસ ગામના ખેડૂતો એકત્ર થયા હતાં, અને મગફળી, કપાસના બગડેલા પાકને જાહેરમાં સળગાવી નાંખી પોતાનો વિરોધ પ્રદર્શન કર્યો હતો. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખેડૂતો, ગ્રામજનો એકત્ર થયા હતાં.