મહારાષ્ટ્રમાં આવી રીતે શિવસેના-કોંગ્રેસ-એનસીપી સરકારની ફોર્મ્યુલાને આખરી ઓપ આપી રહ્યા છે

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન દરમિયાન ૨૦ દિવસમાં નવી સરકાર અસ્તિત્વમાં આવી શકે છે. સરકાર બનાવવા માટે એનસીપીની સમન્વય સમિતિના એક સભ્યએ સરકાર બનાવવાનો દાવો કર્યો છે. મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી અને કોંગ્રેસની સરકાર માટે તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. જે માટે મુંબઇમાં પહેલી વાર આ ત્રણેય પાર્ટીઓની બેઠક યોજાઇ હતી. જેમાં સરકાર બનાવવાના ફોર્મુલા પર ચર્ચા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

એનસીપી નેતાના દાવા મુજબ આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે મુંબઇમાં ત્રણેય પક્ષોની સહમતિ પછી સોનિયા ગાંધી અને શરદ પવાર એકવાર ફરી દિલ્હીમાં મળશે. ત્રણેય પક્ષો તરફથી પૂરેપુરો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે 20 દિવસની અંદર જ મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર રચે.મુંબઇમાં જ્યાં ત્રણે પક્ષોની સમન્વય સમિતિના સભ્યોની બેઠકો ચાલી રહી છે, એવામાં એનસીપી નેતા શરદ પવાર બે દિવસ માટે વિદર્ભની મુલાકાતે ચાલ્યા ગયા છે. બીજી તરફ શિવસેના અધ્યક્ષ ઉદ્ઘવ ઠાકરે પણ રાજ્યના ખેડૂતોને મળવા માટે મુંબઇ બહાર છે.

મહારાષ્ટ્રમાં સત્તા માટે નવા સમીકરણો બની રહ્યા છે જેમાં પરસ્પર મતભેદો ખતમ થઇ ચૂક્યા છે, માત્ર સત્તાની વહેંચણી પર એકમત થવાનું બાકી છે. સરકારની રચનાના ફોર્મ્યુલામાં શિવસેનાના ભાગમાં 16, એનસીપીને 14 અને કોંગ્રેસને 12 કેબિનેટ મંત્રી મળી શકે તેવી શક્યતા છે. ઉપરાંત વિધાનસભાનું સ્પીકર પદ કોંગ્રેસને આપી શકાય છે અને ડેપ્યુટી સ્પીકર પદ શિવસેના ભાગમાં આવી શકે છે અને બે ડેપ્યુટી સીએમ પણ બનાવવામાં આવે તેવી ધારણા છે.