મહારાષ્ટ્ર: આવતીકાલે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો રજૂ કરાશે

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનના માહોલમાં નવી સરકારની રચનાનું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે. જેમાં શિવસેના-એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને નવી સરકાર રચવા તૈયાર છે. સરકાર બનાવવાની અટકળોને અનુમોદન આપતાં એનસીપીના સુપ્રિમો શરદ પવારે આજે મોટી જાહેરાત કરતાં કહ્યું કે સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. મુખ્યમંત્રી શિવસેનાના જ હશે અને નવી સરકાર પૂરા પાંચ વર્ષ ચાલશે. તેમણે એમ પણ કહ્યું કે ગઠબંધન સરકાર માટે ધર્મનિર્પેક્ષતા જરૂરી છે. ત્રણેય પક્ષોએ સરકાર ચલાવવા કોમન મિનિમમ પ્રોગ્રામ(સીએમપી) તૈયાર કર્યો છે. ત્રણેય પક્ષના નેતાઓ ખેડૂતોના મુદ્દે મળવા માટે રાજ્યપાલ પાસેથી સમય માંગ્યો હોવાનું જાણવા મળ્યું છે. જો કે તેની સાથે જ તેઓ સરકાર રચવાનો દાવો રજૂ કરી શકે છે.

દરમિયાનમાં સૂત્રોએ જણાવ્યું કે ત્રણેય પક્ષના નેતાઓએ ખેડૂતો-રોજગારી-મહિલા-વીજળીમાં રાહત જેવા 40 મુદ્દાનો કોમન મિનિમમ પ્રોગ્રામ(સીએમપી) તૈયાર કર્યો છે. મુખ્યમંત્રીપદ શિવસેનાના ફાળે જશે. નવી સરકારમાં એનસીપી અને કોંગ્રેસના એક એક મળીને બે નાયબ મુખ્યમંત્રી હોઇ શકે. સ્પીકરપદ શિવસેના પોતાની પાસે રાખે તેમ છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ દ્વારા 40 મુદ્દાના કાર્યક્રમને અંતિમ રૂપ આપી દેવામાં આવ્યું છે. ત્રણેય પક્ષો વચ્ચે થયેલા કરાર મુજબ શિવસેના પાંચ વર્ષ સુધી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહેશે. 17 નવે.ના રોજ શિવસેનાના સ્થાપક બાલ ઠાકરેની પુણયતિથિએ સંભવતઃ નવી સરકાર રચાય તેમ છે. જો કે ત્રણેય પક્ષો રાજ્યપાલને આજે શનિવારે મળવાનો સમય માંગ્યો છે. મળ્યા બાદ રાજ્યપાલ તેમને ક્યારે સરકાર રચવાનું આમંત્રણ આપે છે કે પછી કોઇ કાનૂની ગૂંચ આવે છે તેના પર નવી સરકારની રચનાનો આધાર રહેલો છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ને 14 અને કોંગ્રેસને 12 પ્રધાનો આપવામાં આવશે. શિવસેનાને મુખ્યમંત્રીપદ સહિત 14 મંત્રી પદ મળી શકે.

એનસીપીનાં સૂત્રો કહે છે કે પાર્ટીના વડા શરદ પવાર 16 નવેમ્બરે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી શકે છે. અને અચાનક રાષ્ટ્રપતિ શાસન લાદવાનું પગલું ભરનાર રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી કોઇ કાનૂની ગૂંચવાડો ન સર્જે તો 17થી 20 નવેમ્બરની વચ્ચે મહારાષ્ટ્રમાં નવી સરકારની ઘોષણા થઈ શકે છે. સરકારની રચના અંગે શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેની પુણ્યતિથી, 17 નવેમ્બરના રોજ મોટી જાહેરાત થઈ શકે છે. શિવસેનાએ તેના તમામ ધારાસભ્યોને 17નવેમ્બરના રોજ મુંબઇમાં હાજર રહેવા જણાવ્યું છે. સીએમપીના મુદ્દાઓમાં શિવસેનાએ લઘુમતિઓ માટે શિક્ષણમાં ૫ ટકા અનામતનો વિરોધ નહીં કરવા અને સાવરકરને ભારત રત્ન આપવાની માંગણીને પડતી મૂકી હોવું મનાય છે.

રાજકીય સૂત્રોએ કહ્યું કે. ગઇકાલે ગુરુવારે ત્રણેય પક્ષોએ સરકાર માટેના લઘુત્તમ સામાન્ય કાર્યક્રમની મુંબઈમાં ચર્ચા કરી હતી. આ બેઠક અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભાના વિપક્ષી નેતા વિજય વડત્તીવારે કહ્યું કે ત્રણેય પક્ષના નેતાઓએ મીટિંગમાં લઘુતમ સામાન્ય કાર્યક્રમ-સીએમપી તૈયાર કર્યો છે. વડેટ્ટીવારે કહ્યું કે ત્રણેય પક્ષના નેતાઓ ખુલ્લા હૃદયથી બેઠકમાં ભેગા થયા અને અમને ડ્રાફ્ટ નક્કી કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નહીં. તેમણે કહ્યું કે ત્રણેય પક્ષના નેતાઓમાં એવી લાગણી છે કે રાજ્યના લોકો અને ખેડૂતોના હિતમાં વહેલી તકે નવી સરકારની રચના કરવી જોઈએ.

બીજી તરફ, શિવસેનાના એકનાથ શિંદેએ મુંબઇમાં ત્રણેય પક્ષોની બેઠક બાદ કહ્યું હતું કે ’બેઠકમાં કોમન મિનિમમ પ્રોગ્રામ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. એક ડ્રાફ્ટ પણ બનાવવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ ત્રણેય પક્ષના વડાઓને મોકલવામાં આવ્યો છે. ફક્ત ત્રણ પક્ષના વડા જ અંતિમ નિર્ણય લેશે.

શિવસેના-એનસીપી-કોંગ્રેસ દ્વારા મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની સંમતિ સધાઇ ગઇ હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. દરમિયાન એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું હતું કે સવાલ વારંવાર પૂછવામાં આવે છે કે શિવસેના સીએમ બનશે? જો સીએમ પદને લઈને શિવસેના-ભાજપ વચ્ચે વિવાદ થયો હોય, તો ચોક્કસ સીએમ શિવસેનાના હશે. શિવસેનાનું અપમાન કરવામાં આવ્યું છે, તેઓની આત્મગૌરવ જાળવવી એ આપણી જવાબદારી છે.