બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ આ ચેતવણી અચૂક વાંચે લે…

ગુજરાતભરમાં 17મી નવેમ્બરે યોજાનારી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત બિન સચિવાલય ક્લાર્ક અને ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ-3 સંવર્ગની પરીક્ષા યોજાશે. જેને લઈને પરીક્ષા કેન્દ્રના સંચાલકો સાથે જિલ્લા શિક્ષણાધિકારી અને કલેક્ટર કચેરી દ્વારા ખાસ બેઠક યોજાઈ. જેમાં પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવીને અધિકારીઓને કડક સુચના આપવામાં આવી છે. તેમજ બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી લેવાનારી આ પરીક્ષામાં ઉમેદવારોને 11 વાગ્યાથી પ્રવેશ આપવામાં આવશે. અને જો ઉમેદવાર એક મીનીટ પણ મોડો પડે તો તેને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ નહિ આપવા સુચનાઓ આપવામાં આવી છે.

અમદાવાદમાં 515 જેટલા પરીક્ષા કેન્દ્રો પર બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાશે. અગાઉ આ પરીક્ષા 20 ઓક્ટોબરના રોજ યોજાવાની હતી પરંતુ તે સમયે પરીક્ષા રદ્દ થતા વિવાદ સર્જાયો હતો. અને રાજ્યભરમાં ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો. જેને પગલે તંત્ર દ્વારા તાત્કાલીક નવી તારીખ 17 નવેમ્બર જાહેર કરાઈ હતી.

નવી તારીખ પર કેટલીક શાળાઓમાં અગાઉથી કેટલાક કાર્યક્રમો નક્કી હોવાથી છેલ્લી ઘડીએ અમદાવાદના 18 પરીક્ષા કેન્દ્ર બદલવાની તંત્રને ફરજ પડી છે. માત્ર અમદાવાદમાંથી જ 1.68 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે ત્યારે સંચાલકોને બેઠકમાં સ્પષ્ટ સુચના અપાઈ કે એક મીનીટ પણ મોડા આવનાર ઉમેદવારને પરીક્ષાખંડમાં પ્રવેશ ના આપવામાં આવે.

પરીક્ષાખંડમાં સુપરવાઈઝરને પણ મોબાઈલ સાથે ન રાખવા સ્પષ્ટ સૂચન કરાયું છે તો સાથે જ 14 તારીખે શાળામાં વેકેશન પૂર્ણ થતું હોવાથી સીસીટીવી ફરજીયાત ચેક કરવા ચેતવણી અપાઈ છે. સીસીટીવી નથી એવા કેન્દ્ર પર તકેદારી અધિકારીની નિમણૂક પણ કરાઈ છે. તંત્ર દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રના સીસીટીવી ગાંધીનગર ખાતે બીજા દિવસે જ મંગાવી લેવાશે. ઉમેદવારથી ઓએમઆરમાં ભૂલ થાય તો અન્ય ઓએમઆર ન આપવા પણ આદેશ કરાયો છે.