સુરતના પાલનપુર પાટીયા અને રાંદેર-અડાજણ વિસ્તારમાં સક્રિય થયેલી તસ્કર ટોળકીએ એક જ રાતમાં માત્ર દોઢ કલાકના સમયગાળામાં પાલનપુર જકાતનાકા નજીકના વાસુ પુજ્ય ઇકો હોમ્સના શોપીંગ સેન્ટરની પાંચ દુકાન અને પાલનપુર પાટિયાના પુનીત નગર શોપીંગ સેન્ટરની બે દુકાનના શટર વચ્ચેથી ઉંચુ કરી ચોરીનો કસબ અજમાવી પોલીસને પડકાર ફેંકયો છે.
પાલનપુર જકાતનાકા નજીક વાસુપુજ્ય ઇકો હોમ્સમાં શોપ નંબર-1માં શ્રી ક્રિષ્ણા લેમીને, અદિતી સ્ટેશનરી, રાધે ડેરી એન્ડ સ્વીટ્સ, સિધ્ધી વિનાયક ગીફટ એન્ડ નોવેલ્ટી, ઠક્કર ફિલ્ટર હાઉસ અને શ્રીજી ક્લિનીક સહિત પાંચ દુકાનને તસ્કરો નિશાન બનાવી હતી.
તસ્કરોએ અંદર પ્રવેશી ચોરી કરી હતી. જયારે એક હેલમેટ પહેરેલા યુવાન દુકાનની બહાર વોચમાં બેઠેલો નજરે પડી રહ્યો હતો. જ્યારે આ ટોળકી 3.28 કલાકે પાલનપુર પાટિયા સ્થિત પુનિત નગર શોપીંગ સેન્ટરમાં દુકાન નંબર 8 અને 9 માં આવેલી સિવાન્સ ટેસ્ટી બેકરી અને 3.36 કલાકથી 3.41 કલાક દરમ્યાન દુકાન નંબર -6માં એવરગ્રીન બેકર્સ નામની દુકાનને નિશાન બનાવી હતી.
તસ્કરોએ દુકાનનું શટર વચ્ચેથી ઉંચુ કરી અંદર પ્રવેશી એવરગ્રીન બેકર્સમાંથી 24 હજાર અને સિવાન્સ ટેસ્ટી બેકરીમાંથી પાંચ હજારની મત્તા ચોરી ગયા હતા
આ સમગ્ર ઘટના એવરગ્રીન બેકર્સના સીસીટીવીમાં કૈદ થઇ ગઇ હતી. ઘટના અંગે એવરગ્રીન બેકર્સના માલિક હિતેશ ચંદ્રકાંત સભાણી (રહે. રણછોડ પાર્ક સોસાયટી, રામનગર) એ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.