થરાદ અને વાવના વાતાવરણમાં અચાનક પલટો, બરફ પડવાને કારણે ઠંડક અનુભવાઈ

સરહદી વિસ્તાર સુઇગામ, થરાદ અને વાવમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અચાનક આવેલા પલટાના કારણે સુઇગામ ,વાવ અને થરાદ પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતો માટે પડતા પર પાટુ જેવી સ્થિતી પેદા થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદનાં કારણે ખેડૂતો કફોડી સ્થિતી પેદા થઇ છે. તેઓ ચોમાસુ પાક તો લઇ શક્યા નથી. પરંતુ હવે શિયાળુ પાકને પણ કમોસમી વરસાદના કારણે નુકસાન થાય તેવી સ્થિતી પેદા થઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના સરહદી વિસ્તાર થરાદ અને વાવમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સુઇગામ, વાવ, થરાદ અને આસપાસના ગામડાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જ્યારે કેટલાક વિસ્તારોમાં તો કરા પડ્યાની પણ પ્રાથમિક માહિતી મળી રહી છે. કરાને કારણે ન માત્ર પાકમાં ઇયળ જેવી જીવાત પડવાની શક્યતા છે પરંતુ સમગ્ર વિસ્તારમાં રોગચાળો પણ ફાટી નિકળે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. હાલ તો સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઇ છે.