ચૂકાદા બાદ અયોધ્યામાં જમીનના ભાવો રાતોરાત થયા બમણા, જાણો શું ચાલે છે ભાવ?

એકબાજુ સમગ્ર દેશમાં પ્રોપર્ટી માર્કેટમાં જોરદાર મંદી જોવા મળી રહી છે. બીજી બાજુ રામજન્મભૂમિનો વિવાદ ઉકેલાઇઈ ગયા બાદ અયોધ્યામાં જમીનના ભાવે રોકેટગતિથી આસમાને જઇ રહ્યા છે. આ સ્થિતી હજુ કેટલાક વર્ષો સુધી જારી રહી શકે છે. અયોધ્યામાં પહેલાથીજ પ્રોપર્ટી ધરાવનારને હવે જોરદાર ફાયદો થઇ શકે છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થયા બાદ ૧૪ કોસી પરિક્રમા ક્ષેત્રમાં 700થી વધીને 1500 રૂપિયા પ્રતિ સ્કેવાયર જમીનના ભાવ થઇ ગયા છે. મુડીરોકાણમાં જોરદાર તેજી આવી ગઇ છે. પ્રવાસીઓ માટે સુવિધા વધારી દેવામાં આવી રહી છે. અયોધ્યમાં મોટી અને ભવ્ય હોટેલ તૈયાર કરવાની દિશામાં પણ નવી નવી પહેલ કરવામાં આવી રહી છે.

અયોધ્યામાં વિવાદ થયા બાદ વિકાસની ગતિ લગભગ રોકાઇ ગઇ હતી. આ બાબતનો અંદાજ આનાથી લગાવી શકાય છે કે સમગ્ર જિલ્લામાં એઓક પણ સ્ટાર હોટેલ નથી. પ્રોપર્ટી ડિલરોની વાત પણ વિશ્વાસ કરવામાં આવે તો છેલ્લા ત્રણ મહિનાના ગાળામાં અયોધ્યામાં જમીનની કિંમતો સતત વધી રહી છે. હજુ કિંમતોમાં વધારો થઇ શકે છે. અહીં આંતરરાષ્ટ્રીય સ્તરના હોટેલ રિસોર્ટ અને વિમાની મથકનુ નિર્માણ કરવામાં આવનાર છે. ક્ષેત્રીય પ્રવાસી અધિકારી આરપી યાદવના કહેવા મુજબ અયોધ્યા વિવાદના કારણે અહીંના 10 મોટા પ્રોજેક્ટ નોંધણી બાદ અટવાઇ પડ્યા હતા. જો કે હવે તમામ મોટા પ્રોજેક્ટ આડેની તમામ તકલીફો દુર થઇ ચુકી છે.

મંદિર મામલે તમામ બાબતો પર નજર રાખી રહેલા કેટલાક જાણકાર લોકો માની રહ્યા છે કે આગામી વર્ષે બીજી એપ્રિલના દિવસે ભગવાન રામના જન્મદિવસે રામ નવમીના પ્રસંગે એક ખાસ કાર્યક્રમમાં ભવ્ય રામ મંદિરના નિર્માણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે છે.આંતરરાષ્ટ્રીય સ્તરના હોટેલ અને રિસોર્ટ તેમજ ક્રુઝ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વિકસિત કરવાની પણ તૈયારી છે. સૌથી પહેલા જુદા જુદા ઘાટને વધુ શાનદાર બનાવી દેવાની પણ યોજના રહેલી છે.

ભવ્ય રામમંદિર ઉપરાંત અહીં ટુંક સમયમાં જ કરોડો રૂપિયાના ખર્ચ સાથે ખાસ અને આકર્ષક પ્રવાસી યોજના શરૂ કરવામાં આવનાર છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને અન્ય પ્રવાસી સ્થળોને ખુબ આધુનિક બનાવવાની સાથે સાથે ભવ્ય બનાવવામાં આવનાર છે. અયોધ્યામાં પહેલાથીજ એરપોર્ટના નિર્માણની કામગીરીને મંજુરી આપી દેવામાં આવી છે. સરકારની યોજના અયોધ્યાને આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રવાસી કેન્દ્ર તરીકે વિકસિત કરવા માટેની રહેલી છે. રાજ્ય સરકાર અયોધ્યાને સંપૂર્ણ વિકાસ મારફતે નવા રંગ રૂપમાં રજૂ કરવા માટે તમામ સ્તર પર કામમાં લાગેલી છે. યોગી પોતે આ બાબતમાં રસ લઇ રહ્યા છે. બ્રજ તીર્થ વિકાસ પરિષદની જેમ જ અયોધ્યા તીર્થ વિકાસ બોર્ડની રચના કરવામાં આવનાર છે. આ સંબંધમાં પ્રવાસ વિભાગ દ્વારા કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે. અયોધ્યાના યોજનાપૂર્વકના વિકાસ માટે ફરીથી માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવનાર છે. હાલમાં અહીં કેન્દ્ર સરકારની સ્વદેશ દર્શન યોજના અને રાજ્ય સેક્ટરની કેટલીક યોજના ચાલી રહી છે.

અયોધ્યામાં હાલમાં રહેલી હવાઇ પટ્ટીને વિમાની મથકમાં ફેરવી નાંખવા અને સરયુ સહિત આસપાસના ક્ષેત્રમાં વિકાસ કરવામાં આવનાર છે તેવા અહેવાલ બાદ પ્રોપર્ટી માર્કેટમાં તેજી આવી ગઇ છે. પહેલા અહીં હાલત ખુબ ખરાબ હતી. પહેલા અહીં વિકાસની સાથે સાથે જમીનની કિંમતો પણ રોકાઇ ગઇ હતી. બંને જગ્યાના હવે વિવાદ પોત પોતાની રીતે ખતમ થઇ ગયા છે ત્યારે જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિકાસ માટે પ્રયાસ તેજ બનાવી દેવામાં આવ્યા છે. હોટેલ, ગાઇડ, પરિવહનની સુવિધા, મનોરંજન ન સુવિધા વધારી દેવાની જરૂર છે.