વાદળછાયા વાતાવરણમાં ખેડુતોએ શું કરવું જોઈએ? વાંચો આ મહત્વની ટીપ્સ

હવામાનમાં વાદળછાયું વાતાવરણને કારણે આગામી દિવસોમાં ખેડુતોને દિવેલા પાકમાં રોગ જીવાત સામે રક્ષણ માટે બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારી પી.કે.પટેલે નીચે મુજબના પગલા લેવાં જણાવ્યું છે.

માવઠા જેવું વાતાવરણ હોવાના કારણે દિવેલા પાકમાં ઘોડીયા ઇયળનો ઉપદ્રવ જોવા મળે તો ઉભા પાકમાં એકલ દોકલ દેખાતી ઇયળ વિણાવી નાશ કરવો. તેમજ ઉનાળામાં ઊંડી ખેડ કરવાથી કોસેટોનો નાશ થાય છે. છોડ દીઠ ચાર ઇયળો જોવા મળે ત્યારે ક્વિનાલફોસ (૦.૦5%) ૨૦ મીલી. અથવા કલોર્પાયરીફોસ (૦.૦4%) 20 મીલી. દવા 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ભલામણ કરવામાં આવી છે.

30 નવેમ્બર સુધી આધાર સીડીંગ કરાવી શકાશે

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત ભારત સરકારશ્રી દ્વારા આધાર સીડીંગ ઓફ બેનીફીશરીઝ ડેટાની કામગીરી પૂર્ણ કરવાની છેલ્લી તારીક 30 નવેમ્બ નિર્ધારીત થયેલી છે ત્યારબાદ કોઇ સુધારો થઇ શકશે નહીં. તથા આ યોજના હેઠળ લાભ મળવાનો બંધ થઇ જશે. જેની તમામ લાભાર્થી ખેડુતોને નોંધ લેવા જણાવ્યું છે.

આ બાબતોને ધ્યાને લઇ બનાસકાંઠા જિલ્લામાં તા.13-11-2019 તા.16-11-2019 સુધી જિલ્લાની તમામ તાલુકા પંચાયત તથા મામલતદાર ઓફિસ ખાતે આધાર સીડીંગ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવે છે. જેને ધ્યાને લઇ વધારેમાં વધારે લાભાર્થી ખેડૂતોએ કેમ્પની મુલાકાત લઇ આધાર સીડીંગની કામગીરી પૂર્ણ કરાવવી જેથી યોજનાઓનો લાભ લઇ શકાય. આ ઉપરાંત તા.30-11-2019 સુધીમાં આધાર સીડીંગની કામગીરી ગ્રામ્ય લેવલે વી.એલ.ઇ, તલાટી દ્વારા પણ થઇ શકશે. જેની તમામ ખેડૂતો મિત્રોએ નોંધ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી બનાસકાંઠા દ્વારા જણાવાયું છે.