રૂપાણી સરકારે ખેડુતો માટે જાહેર કર્યું 700 કરોડનું પેકેજ, જાણો પેકેજની મહત્વની જોગવાઈઓ વિશે

ગુજરાતની રૂપાણી સરકારે  ખેડૂતો માટે 700 કરોડની સહાયનું પેકેજ જાહેર કર્યું છે. 33 ટકા કરતા વધુ નુકસાન માટે સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે. કેબિનેટની મીટીંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત પિયતમાં એક હેકટર દીઠ 13, 500ની સહાય આપવામાાં આવશે. બિન પિયતમાં હેકટર દીઠ 6,800ની સહાય કરાશે. જ્યારે પાકવીમા સિવાય પણ રાજય સરકારે સહાય જાહેરાત કરી છે. લાખ કરતા વધુ ખેડૂતોને સહાય પહોંચાડવામાં આવશે.

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને કપાસ અને મગફળીના પાકને મોટું નુકશાન થયુ છે. સૌરાષ્ટ્ર સિવાયના ગુજરાતના વિસ્તારમાં ડાંગર અને અન્ય પાક પર વરસાદી પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. આ વર્ષે વરસાદ સારો થતા સારૂ વર્ષ થવાની ખેડૂતોને આશા હતી. ચોમાસાનો સમયગાળો પુરો થયા પછી અચાનક આવેલા ભારે વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધુ છે.

અનેક વિસ્તારોમાં કપાસ, મગફળી, ડાંગર જેવા પાકને ભારે નુકશાન થયુ છે. ખાતર, બિયારણ અને ખેડૂતોની મહેનત નકામી ગઈ છે. વરસાદ પછી તરત સરકારે અસરગ્રસ્ત ખેડૂતો પાસેથી સહાય માટે અરજીઓ મંગાવી હતી. સરકાર દ્વારા ગામેગામ સરવે કરવામાં આવ્યો હતો. સરવેનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. અહેવાલના આધારે રાજ્ય સરકાર પાસે પણ મદદ માંગવામાં આવી હતી. જે ખેડૂતોનો વીમો નથી તેને સરકારી પેકેજનો મહત્તમ લાભ મળે તેવો સરકારનો પ્રયાસ છે.

નિયમ મુજબના પાક વીમાની ઝડપથી ચુકવણી કરવા કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવામાં આવશે. ખેડૂતોને સરકારી પેકેજથી નોંધપાત્ર લાભ મળે તેવી આશા આ પેકેજથી બંધાઈ છે. કોંગ્રેસે ખેડૂતોના પ્રશ્ને આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. તેની સંભવિત અસરને ખાળવા સરકારે ગણતરીની કલાકોમાં જ ખેડૂતો માટે રાહત અને સહાયના પગલા જાહેર કર્યા છે.