અમેરિકાના 150 વર્ષ જૂના મ્યુઝીયમ ઓફ આર્ટનાં ટ્રસ્ટી બનતા નીતા અંબાણી

ભારતના શિક્ષણવિદ્દ, ફિલેન્થ્રોપીસ્ટ, બિઝનેસવુમન અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક તથા ચેરપર્સન નીતા અંબાણીની અમેરિકાની સુપ્રસિદ્ધ ‘મેટ્રોપોલીટન મ્યુઝીયમ ઓફ આર્ટ’ સંસ્થામાં ટ્રસ્ટી તરીકે વરણી કરવામાં આવી છે. મ્યુઝીયમના ચેરમેન ડેનીયલ બ્રોસ્કીના જણાવ્યા પ્રમાણે નીતા અંબાણી સંસ્થાના ટ્રસ્ટી મંડળમાં સ્થાન પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે નીતા અંબાણીની મેટ પ્રત્યેની કટીબદ્ધતા તેમજ ભારતીય કલા અને સંસ્કૃતિને જાળવી રાખવા તથા તેને પ્રોત્સાહિત કરવામાં તેઓનું યોગદાન ખરેખર અદ્વિતીય છે. તેમણે વિશ્વના દરેક સ્થળોના મ્યુઝીયમની કલા પ્રદર્શન શક્તિના દર્શન કરાવવામાં નોંધપાત્ર યોગદાન-સહકાર આપ્યા છે.

આ અંગે નીતા અંબાણીએ તેમના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે ભારતમાં કલા પ્રદર્શિત કરવા માટેના પ્રોગ્રામોને વ્યાપક બનાવવા તથા પ્રોત્સાહિત કરવાના કાર્યમાં મને પ્રેરકબળ મળ્યું છે. મ્યુઝીયમ સંસ્થા પણ ભારતીય કલા અને સંસ્કૃતિને વિશ્વસ્તરે પ્રદર્શિત કરવાના આપણી કટીબદ્ધતા માટે ખૂબ જ રસ લઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મેટ્રોપોલીટન મ્યુઝીયમ ઓફ આર્ટની સ્થાપના 1870માં થઈ હતી. ન્યુયોર્ક શહેરમાં ત્રણ સ્થળે આ મ્યુઝીયમ આવેલું છે. અહીં વિશ્વભરની 5000 હજાર વર્ષ જુની કલાકૃતિઓ છે અને દર વર્ષ લાખો લોકો મ્યુઝીયમની મુલાકાત લે છે.