સુપ્રિમ કોર્ટે કર્ણાટક વિધાનસભાના સ્પીકરે 17 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે, પરંતુ આ ધારાસભ્યોને ફરીથી ચૂંટણી લડવાની છૂટ આપીને રાહત પણ આપી છે.
સુપ્રિમ કોર્ટે કર્ણાટકના અયોગ્ય જાહેર કરવામાં આવેલા ૧૭ ધારાસભ્યો વિશે આજે ચૂકાદો આપ્યો છે. કોર્ટે તેમના ચૂકાદામાં સ્પીકર દ્વારા ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાનો નિર્ણય સાચો ગણાવ્યો છે. એટલે કે કોંગ્રેસ અને જેડીએસના એ 17 ધારાસભ્યો હવે અયોગ્ય સાબિત થઈ ચૂક્યા છે, પરંતુ સુપ્રિમ કોર્ટ તરફથી આ ધારાસભ્યોને થોડી રાહત પણ આપવામાં આવી છે. તેમને ફરી ચૂંટણી લડવાની છુટ આપવામાં આવી છે.
નોંધનીય છે કે, કર્ણાટકમાં પાંચમી ડિસેમ્બર 15 વિધાનસભા સીટ માટે પેટાચૂંટણી થવાની છે. આ સંજોગોમાં અયોગ્ય જાહેર કરવામાં આવેલા ધારાસભ્યો પણ આ ચૂંટણી લડી શકશે તેવી સુપ્રિમ કોર્ટે મંજુરી આપી છે.
સુપ્રિમ કોર્ટે તેમના નિર્ણયમાં કહ્યું છે કે, વિધાનસભા સ્પીકર એ નક્કી ન કરી શકે કે ધારાસભ્ય ક્યાં સુધી ચૂંટણી લડી શકશે કે નહીં. સંસદીય લોકતંત્રમાં સરકાર અને વિપક્ષ પાસેથી નૈતિક્તાની આશા રાખવામાં આવે છે. અમે સ્થિતિને જોઈને કેસની સુનાવણી કરીયે છીએ. કોર્ટે કહ્યું છે કે, અરજી કરનાર આ મામલે હાઈકોર્ટ પણ જઈ શકે છે. અદાલતે કહ્યું કે, અયોગ્યતા અનિશ્ચિત કામ માટે હોઈ શકે નહીં.
અત્રે ઉલ્લેખનિય છે કે, સુપ્રિમ કોર્ટે અયોગ્ય ધારાસભ્યોની અરજી પર 25મી ઓક્ટોબરના સુનવણી પછી પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. આ ધારાસભ્યોને વિધાનસભાના તત્કાલિન અધ્યક્ષ આર. રમેશ કુમારે અયોગ્ય જાહેર કરી દીધા હતાં. ન્યાયમૂર્તિ એન.વી. રમણ, ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ કૃષ્ણ મોરારીની ત્રણ સભ્યવાળી બેન્ચે આ અયોગ્ય ઘોષિત ધારાસભ્યોની અરજી પર 25મી ઓક્ટોબરના સુનવણી પૂરી કરી હતી.
આ ધારાસભ્યોને અયોગ્ય ઘોષિત કરતા 17માંથી 15 સીટો માટે પાંચ ડિસેમ્બરે પેટાચૂંટણી થઈ રહી છે. અયોગ્ય ધારાસભ્યોએ પોતાની અરજીમાં પ ડિસેમ્બરના યોજાનાર પેટાચૂંટણી પર પ્રતિબંધ મૂકવાની પણ માંગણી કરી હતી. ધારાસભ્યોનું કહેવું હતું કે, પેટાચૂંટણી ત્યાં સુધી ના થવી જોઈએ જ્યાં સુધી કે તેમની અરજી પર સુપ્રિમ કોર્ટનો નિર્ણય ના આવી જાય.
પેટાચૂંટણી માટે અરજી દાખલ કરવાની છેલ્લી તારીખ 18મી નવેમ્બર છે. આ ધારાસભ્યોએ સુપ્રિમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને 15 સીટો માટે યોજાનાર પેટાચૂંટણીની તારીખ સ્થગિત કરવાના ચૂંટણી પંચના નિર્દેશનો અનુરોધ કર્યો હતો.
વિધાનસભા અધ્યક્ષ રમેશ કુમારે વિધાનસભામાં એચડી કુમારસ્વામી સરકારના વિશ્વાસ પ્રસ્તાવ પહેલા જ 17 બાગી ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી દીધા હતાં. બીજી બાજુ વિધાનસભામાં વિશ્વાસ મત પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહેવા પર કુમારસ્વામીની સરકારે રાજીનામું આપી દીધું હતું. ત્યારપછી ભાજપના બી.એસ. યેદિયુરપ્પાના નેતૃત્વમાં રાજ્યમાં નવી સરકારની રચના થઈ.
કર્ણાટકના વિધાનસભામાં ભાજપની પાસે 106 ધારાસભ્ય છે જ્યારે એક અપક્ષ ધારાસભ્યએ સમર્થન આપ્યું છે. તો વિપક્ષ (કોંગ્રેસ-જેડીએસ-બસપા) ની પાસે કુલ 101 સીટો છે. તેમાં કોંગ્રેસની પાસે 66, જેડીએસ પાસે 34 અને બસપાની પાસે એક સીટ છે. આ 17 ધારાસભ્યોએ વિશ્વાસ પ્રસ્તાવ પહેલા પાટલી બદલતા રાજીનામા આપી દીધા હતાં. તેના કારણે તત્કાલિન સ્પીકર આર. રમેશ કુમારે તેમને અયોગ્ય ગણાવ્યા હતાં. તેના લીધે ગૃહમાં સભ્યોની સંખ્યા ઘટીને 221 રહી ગઈ હતી અને મેજિક ફિગર 106 થઈ ગયો હતો. તેના આધાર પર ભાજપ કર્ણાટકમાં સરકાર બનાવામાં સફળ રહી હતી. કર્ણાટકની હાલ જે 17 સીટો ખાલી છે તેમાંથી 15 સીટો પર પાંચમી ડિસેમ્બરના પેટાચૂંટણીની થવાની છે. હવે આ પંદરમાંથી ભાજપે ઓછામાં ઓછી 6 સીટો પર જીત હાંસલ કરવાની રહે છે.