પોલીસ કોન્સ્ટેબલ જિજ્ઞેશ પટેલ અને પત્ની શીતલનું કરૂણ મોત, 6 મહિના પહેલાં જોડીયા બાળકો જન્મ્યા હતા

સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર  આઈસરે એક્ટિવા ચાલક દંપતીને અડફેટે લેતા તેમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. એક્ટિવાચાલક પોલીસ કોન્સ્ટેબલ અને તેમના પત્નીના મોતને પગલે પોલીસબેડામાં શોક વ્યાપી ગયો હતો. તેઓ તાજેતરમાં જ બદલી થતાં હિંમતનગર બી ડિવિઝનમાં ફરજ બજાવતા હતા. દંપતીને છ મહિના પહેલા જ જોડિયા બાળકોનો જન્મ થયો હતો. બંનેના મોતથી જોડિયા બાળકોએ માતાપિતાની છત્રછાયા ગુમાવી હતી અને અનાથ બન્યા છે.

મળતી વિગતો મુજબ GJ09Z-6467 નંબરની આઈસર ગાડીના ચાલકે ગફલતભરી ડ્રાઈવિંગ કરીને પૂરપાટ વાહન ચલાવીને એક્ટિવા જીજે૦૯સીયુ૮૭૭૪ને ટક્કર મારી હતી. જેમાં જિજ્ઞેશ પટેલ (ઉં.વ.30)નું ઘટનાસ્થળે જ્યારે તેમની પાછળ બેઠેલા શીતલબેન પટેલ (ઉં.વ.30)ને માથે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે આઈસરના ચાલક ગાડી ઘટનાસ્થળે મૂકીને નાસી છૂટ્યો હતો. આ મામલે હિંમતનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે.