માવઠા અને અતિવૃષ્ટિના કારણે ખેતીને થયેલા નુકસાન, પાક વીમા, બિયારણ સહિતના ખેડૂતોના વિવિધ પ્રશ્નોને ધ્યાને લઇ કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાદિર્ક પટેલે આજે પડધરી નજીક બાયપાસ પાસે આવેલી હોટલ નજીક પ્રતિક ઉપવાસ કર્યા હતા અને તેમાં કિસાન સંઘના આગેવાનો કાર્યકરો ખેડૂતો મોટીસંખ્યામાં જોડાયા હતા.
પ્રતીક ઉપવાસ આંદોલન શરુ કરતા પહેલા ઉપસ્થિત જનમેદનીને સંબોધતા હાદિર્ક પટેલે જણાવ્યું હતું કે પાક વીમા સહિતના પ્રશ્ને ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવે છે .પ્રીમિયમ ભર્યા પછી પણ જો કંપની વીમો ન ચૂકવે તો આવી કંપનીને તાળાબંધી કરવાનું એલાન હાદિર્ક પટેલે આપ્યુ હતું.
હાદિર્ક પટેલે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા અને તેના ઉકેલમાં ધારાસભ્યોની મહત્વની ભૂમિકા હોય છે .જો કોઈ ધારાસભ્ય આ ફરજ બજાવવામાં પાછળ પડે તો તેને તેના મતવિસ્તારમાં પ્રવેશબંધી કરવા જેવા કાર્યક્રમો પણ ખેડૂતોએ આપવા જોઈએ. પાક વિમા સહિતના પ્રશ્ને ખેડૂતોએ જાગૃત થવાની જરુર છે.
પડધરી બાદ હવે આગામી ત્રણ-ચાર દિવસમાં ઉપલેટા ખાતે હાદિર્ક પટેલ પ્રતિક ઉપવાસ આંદોલન કરશે અને તે મુજબ અલગ-અલગ દિવસોએ જુદા જુદા સ્થળે ઉપવાસ આંદોલન કરી સરકારને જાગૃત કરવા માટે આંદોલનના મંડાણ કરશે.
જો ખેડૂતોને સાત દિવસમાં પાક વીમો નહી મળે તો પોતે ખેડૂતોના પ્રશ્ને આંદોલન શરુ કરશે એવી જાહેરાત એકાદ સપ્તાહ પહેલા હાદિર્ક પટેલે રાજકોટમાં કરી હતી અને ત્યાર બાદ આજે પડધરીથી પોતાના આંદોલનના મંડાણ આ હાદિર્ક પટેલે કરેલા છે.